ભારતની સુપ્રીમ કોર્ટે ગુરુવારે ગર્ભપાતના કાયદાઓ અંગે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવ્યું હતું કે મહિલા પરણિત હોય કે અપરિણીત હોય તેને 20 સપ્તાહ સુધીના ગર્ભનું ગર્ભપાત કરવાનો હક છે. દરેક મહિલાને સુરક્ષિત અને કાયદેસરના ગર્ભપાતનો હક છે, પછી તેની વૈવાહિક સ્થિતિ કોઇ પણ હોય. સર્વોચ્ચ અદાલતે 20થી 24 સપ્તાહ વચ્ચેના ગર્ભપાત માટે અપરિણીત મહિલાનો સમાવેશ કરવા માટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી (MTP) ધારા અને સંબંધિત નિયમોની જોગવાઈની વિસ્તૃત બનાવી છે અને જણાવ્યું છે કે આ જોગવાઈને માત્ર પરિણીત મહિલા પૂરતી સીમિત રાખવાની બાબત કલમ 14નું ઉલ્લંઘન કરે છે અને ભેદભાવપૂર્ણ છે.
સર્વોચ્ચ અદાલતે MTP ધારા હેઠળ જાતિય હુમલો કે રેપ શબ્દોના અર્થમાં પતિ દ્વારા તેની પત્ની પરનો જાતિય હુમલો કે રેપનો પણ સમાવેશ કર્યો છે. આમ ગર્ભપાતના સંદર્ભમાં પતિના બળજબરીપૂર્વકના સેક્સને પણ રેપ ગણવામાં આવશે. કોર્ટે જણાવ્યું હતું કે રેપનો અર્થ એકમાત્ર MTP ધારા તથા તે પછીના કોઇપણ નિયમો અને નિયમોના હેતુ માટે મેરિટલ રેપ સહિત સમજવાનો રહેશે.
કોર્ટે જણાવ્યું હતું કે કલમ 21 હેઠળના પ્રજનન સ્વાયત્તતા, ગોરવ અને ગુપ્તતાના અધિકારો અપરણિત મહિલાને પણ પરણિત મહિલાની સરખામણીમાં બાળક રાખવું કે ન રાખવું તેનો હક આપે છે.
દિલ્હી હાઇકોર્ટના આદેશને પડકારતી ઉત્તરપૂર્વની એક મહિલાની અપીલને પગલે સર્વોચ્ચ અદાલતે આ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે આ મહિલાને ગર્ભપાત કરવાની પરવાનગી આપી ન હતી. મહિલાને તેના પાર્ટનર સાથેના સંમતીના સંબંધોથી ગર્ભ રહ્યો હતો અને તેના પાર્ટનરે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો.
કોર્ટે જણાવ્યું હતું કે 3B સાથે MTP ધારાની કલમ 3(2)(b)નો હેતુ મહિલાના મેરિટલ સ્ટેટસમાં ફેરફારને કારણે અનિચ્છનીય પ્રેગનન્સીના 20થી 24 સપ્તાહ વચ્ચે ગર્ભપાત માટેનો છે. આ હેતુના સંદર્ભમાં અપરિણીત કે સિંગલ વુમેન (મેરિટલ સંજોગોમાં ફેરફારને કારણે) બાકાત રાખવાનો કોઇ તર્ક નથી. નિયમ 3Bના સંકુચિત અર્થઘટનથી તે માત્ર પરણિત મહિલા પૂરતી સીમિત રહી છે. તેનાથી આ જોગવાઈ અપરિણીત મહિલા માટે ભેદભાવપૂર્ણ બને છે અને બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરે છે.
કોર્ટે જણાવ્યું હતું કે કોને અનુમતિપાત્ર સેક્સ ગણવો તે અંગેના સાંકડા પુરુષપ્રધાન સિદ્ધાંતને આધારે કાયદો કાનૂની લાભાર્થીનો નિર્ણય કરી શકે નહીં. કલમ 21 હેઠળ પ્રજનની સ્વતંત્રતા, ગૌરવ અને ગુપત્તાના અધિકારો પણ પરણિત મહિલાની જેમ જ બાળક રાખવું કે ન રાખવું તેના અપરિણીત મહિલાને હક આપે છે.
કોર્ટે તેમના 75 પેજના ચુકાદામાં જણાવ્યું છે કે રેપનો સામાન્ય અર્થ સંમતિ કે સંમતિ વિરુદ્ધ એક વ્યક્તિ સાથે જાતિય સંબંધ છે, પછી ભલે તે લગ્નના સંદર્ભમાં થયેલો બળજબરીનો જાતિય સંબંધ હોય.પરણિત મહિલાઓ પણ રેપ કે જાતિય હુમલાના પીડિતોના વર્ગનો એક હિસ્સો બની શકે છે અને મહિલા તેના પતિએ સંમતી વગર કરેલા સેક્સને કારણે પ્રેગન્ટ બની શકે છે. ગાઢ પાર્ટનરની હિંસા પણ વાસ્તવિકતા છે અને તે રેપના સ્વરૂપમાં હોઇ શકે છે. માત્ર અજાણ્યા વ્યક્તિઓ જ સેક્સ કે જાતિ આધારિત હિંસાસા માટે જવાબદાર છે કે ખોટી માન્યતા ઘણી જ ખેદજનક છે. પતિના ‘રેપ’ને કારણે પરણિત મહિલા પ્રેગનન્ટ બને તે અકલ્પ્ય નથી. જાતિય હિંસાના પ્રકાર અને સંમતીના પરિપ્રેક્ષ્યમાં કોઇ લગ્ન કરવાનો નિર્ણય કરે ત્યારે તેમાં પરિવર્તન આવતું નથી. મહિલાએ જાતિય સંબંધોને સંમતી આપી છે કે નહીં સવાલના જવાબને લગ્નસંસ્થા પ્રભાવિત કરી શકે નહીં. જો મહિલા અપમાનજનક સંબધો હોય તો તેને મેડિકલ સારવાર કે ડોક્ટર્સને કન્સલ્ટ કરવામાં મુશ્કેલી પડી શકે છે.
કોર્ટેનો ચુકાદો આવકાર્ય પરંતુ હજુ મેરિટલ રેપને ગુનો બન્યો નથી
ગર્ભપાતના હેતુ માટે મેરિટલ રેપને પણ રેપ ગણતા સુપ્રીમ કોર્ટના અવલોકનને વકીલો અને સામાજિક કાર્યકારોએ આવકાર્યું છે, પરંતુ જણાવ્યું હતું કે આ ચુકાદામાં મેરિટલ રેપને એક ગુનો બનાવવામાં આવ્યો નથી. મેરિટલ રેપને એક ગુનો ગણવા માટે કલમ 375ની જોગવાઈને વિસ્તૃત બનાવવી જોઇએ. અહીં ઉલ્લેખનીય છે કે કોર્ટમાં મેરિટલ રેપને પણ એક ગુનો ગણવા માટે સંખ્યાબંધ અપીલો થયેલી છે.