એર ઇન્ડિયાની મહિલા પાઇલટોએ સૌથી લાંબા મનાતા ઉડ્ડયન માર્ગને સફળતાથી પાર કરી ઉત્તર ધ્રુવ પર ઊડ્ડયન કરીને એક નવો ઇતિહાસ સર્જ્યો હતો. સાન ફ્રાન્સિસ્કોથી ઉત્તર ધ્રુવ થઇને આ ફ્લાઇટનું સોમવારે બેંગલુરુ એરપોર્ટ પર સફળાતપૂર્વક ઉતરાણ થયું હતું. તમામ મહિલા કોકપિટ ક્રૂ સાથેની આ એર ઇન્ડિયાની સૌથી લાંબી ડાયરેક્ટ ફ્લાઇટ હતી.
એર ઇન્ડિયાએ અગાઉ શનિવારે જણાવ્યું હતું કે ભારતીય એરલાઇન દ્વારા સંચાલિત આ ફ્લાઇટ વિશ્વની સૌથી લાંબા અંતરની કોમર્શિયલ ફ્લાઇટ હશે. પવનની દિશાને આધારે આ ફ્લાઇટનો કુલ સમય 17 કલાકથી વધુ હશે. આ બંને શહેરો વચ્ચેનું ડાયરેક્ટ અંતર 13,883 કિમી છે. ઝાઇમ ઝોનમાં ફેરફાર આશરે 13.5 કલાકનો હતો. ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ પૂરીએ ટ્વીટર પર જણાવ્યું હતું કે ઇન્ડિયન સિવિલ એવિયેશનની મહિલા પ્રોફેશનલે ઇતિહાસ બનાવ્યો છે. કેપ્ટન ઝોયા અગ્રવાલ, કેપ્ટન પાપાગરી થાનમાઈ, કેપ્ટન આકાંક્ષી સોનવરે અને કેપ્ટન શિવાનીને અભિનંદન.