વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીથી ​​વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેવડિયા ખાતેના એકતા નગરમાં દેશના વિવિધ રાજ્યોના પર્યાવરણ પ્રધાનોની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું.
સભાને સંબોધતા, વડાપ્રધાને જણાવ્યું કે, નર્મદા સરદાર સરોવર ડેમ યોજનાનો ઉલ્લેખ કરીને તેમણે પર્યાવરણ અને વિકાસને અડચણરૂપ એવા શહેરી નક્સલવાથી સચેત રહેવા દરેક રાજ્યોને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જ્યારે ભારત આગામી 25 વર્ષ માટે નવા લક્ષ્યો નક્કી કરી રહ્યું છે ત્યારે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એકતા નગરનો સર્વાંગી વિકાસ એ પર્યાવરણીય યાત્રાધામનું મુખ્ય ઉદાહરણ છે જ્યારે વાત જંગલો, જળ સંરક્ષણ, પ્રવાસન અને આપણા આદિવાસી ભાઈઓ અને બહેનોની આવે છે.
ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ, કોએલિશન ફોર ડિઝાસ્ટર રિસિલિઅન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લાઈફ ચળવળના ઉદાહરણો આપતાં પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે ભારત માત્ર રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં જ મોટી પ્રગતિ નથી કરી રહ્યું, પરંતુ વિશ્વના અન્ય દેશોને પણ માર્ગદર્શન આપી રહ્યું છે. આજનું નવું ભારત નવી વિચારસરણી, નવા અભિગમ સાથે આગળ વધી રહ્યું છે. ભારત એક ઝડપથી વિકાસશીલ અર્થતંત્ર છે અને તે તેની ઇકોલોજીને પણ સતત મજબૂત કરી રહ્યું છે. “આપણા વન આવરણમાં વધારો થયો છે અને વેટલેન્ડ્સ પણ ઝડપથી વિસ્તરી રહ્યા છે.
વડાપ્રધાને ટિપ્પણી કરી હતી કે, આજે વિશ્વ તેની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવાના ટ્રેક રેકોર્ડને કારણે ભારતમાં જોડાઈ રહ્યું છે. “ગીરના સિંહ, વાઘ, હાથી, એક શિંગડાવાળા ગેંડા અને ચિત્તાની સંખ્યામાં વર્ષોથી વધારો થયો છે. થોડા દિવસો પહેલા મધ્યપ્રદેશમાં ચિત્તાના ઘરે પરત ફર્યા બાદ નવી ઉત્તેજના ફેલાઈ છે.
પર્યાવરણીય મંજુરી મેળવવામાં પડતી ગૂંચવણોનો નિર્દેશ કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ અને દેશવાસીઓના જીવનધોરણને સુધારવાના પ્રયાસો અવરોધાય છે. તેમણે સરદાર સરોવર ડેમનું ઉદાહરણ આપ્યું જે 1961માં પંડિત નેહરુ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે ધ્યાન દોર્યું કે પર્યાવરણના નામે આચરવામાં આવેલા કાવતરાઓને કારણે તેનું નિર્માણ પૂર્ણ કરવામાં દાયકાઓ લાગ્યા. વડાપ્રધાને વિવિધ વૈશ્વિક સંસ્થાઓ અને ફાઉન્ડેશનો પાસેથી કરોડો રૂપિયા લઈને ભારતના વિકાસમાં અવરોધ ઊભો કરવામાં શહેરી નક્સલીઓની ભૂમિકાની પણ ઓળખ કરી હતી. તેમણે એવા લોકોના કાવતરાઓ તરફ પણ ધ્યાન દોર્યું હતું જેના કારણે વિશ્વ બેંકે ડેમની ઊંચાઈ વધારવા માટે લોન આપવાનો ઇનકાર કર્યો હતો. “આ ષડયંત્રોને નિષ્ફળ કરવામાં થોડો સમય લાગ્યો, પરંતુ ગુજરાતના લોકો વિજયી થયા. ડેમને પર્યાવરણ માટે ખતરો ગણાવવામાં આવી રહ્યો હતો અને આજે એ જ ડેમ પર્યાવરણના રક્ષણનો પર્યાય બની ગયો છે.” તેમણે દરેકને પોતપોતાના રાજ્યોમાં શહેરી નક્સલીઓના આવા જૂથોથી સતર્ક રહેવા વિનંતી કરી હતી.

LEAVE A REPLY