ભારતમાં લાંબા વિઝા વેઇટિંગ ટાઇમને દૂર કરવા માટે અમેરિકા શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે. તે ભારતમાં કોન્સ્યુલર ઓફિસર્સની એક કેડર મોકલી રહ્યું છે તથા ભારતીય વિઝા અરજદારો માટે જર્મની અને થાઇલેન્ડ જેવા દૂરના દેશોમાં બીજા વિદેશી દૂતાવાસોમાંથી પણ અરજીઓ પ્રોસેસિંગ થવા લાગી છે. આ વર્ષનો હેતુ તમામ વિઝા કેટેગરી માટે વેઇટિંગ ટાઇમને ઘટાડી 120 દિવસ કરવાનો છે.
વિઝા સર્વિસિસ માટેના ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી જુલી સ્ટફ્ટે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમે ભારતમાં વિઝા વેઇટિંગ ટાઇમને દૂર કરવા માટે અમારી દરેક શક્તિ લગાવી રહ્યા છીએ. હાલમાં વિશ્વભરમાં વિઝા કામગીરીનું સામાન્યીકરણ ટોચની પ્રાથમિકતા છે. અમે ભારતમાં અમારા દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સમાં અમારા કર્મચારીઓને મદદ કરવા માટે કોન્સ્યુલર ઓફિસરની એક કેડર મોકલી રહ્યાં છીએ. તેઓ દિવસ દરમિયાન શિફ્ટમાં કામ કરે છે. તેઓ મુખ્યત્વે વિઝિટર વિઝા ઇન્ટરવ્યુ કરવા માટે સપ્તાહના અંતે પણ કામ કરે છે. હાલમાં માત્ર વિઝિટર વિઝા માટે જ લાંબો વેઇટિંગ ટાઇમ છે.
વિશ્વના સૌથી મોટી વિઝા કામગીરી અમેરિકાની હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે અમારે ઘણા પ્રકારના વિઝા માટે કામગીરી કરવી પડે છે, તેમાં વિદ્યાર્થીઓ, ટેક વર્કર્સ, કાયમી ધોરણે યુએસ જઈ રહેલા ઈમિગ્રન્ટ્સ અને દરિયાઈ મુસાફરી કરનારા ક્રૂ મેમ્બર માટે વિઝા મુખ્ય છે.
સ્ટફટે કહ્યું કે વેઇટિંગ પિરિયડમાં ઘટાડો કરવા અમેરિકાએ ઘણી પ્રગતિ કરી છે. H-1B અને L1 વિઝા જેવા વર્ક વિઝા માટે ઇન્ટરવ્યુ માટે રાહ જોવાનો સમય 18 મહિનાથી ઘટીને લગભગ 60 દિવસ થઈ ગયો છે. ભારતે ગયા વર્ષે સૌથી વધુ સ્ટુડન્ટ વિઝાનો રેકોર્ડ તોડ્યો હતો અને તે આ વર્ષે ફરી આવું કરી શકે છે. અમેરિકા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની દ્રષ્ટિએ ભારત હવે વિશ્વમાં બીજા નંબરે છે.
તેમણે જણાવ્યું હતું કે એક સમયે વિઝા એપોઇન્ટમેન્ટ માટે 1,000 દિવસનો વેઇટિંગ ટાઇમ હતો. પરંતુ હવે માત્ર એક સિવાય કોઇ પણ શ્રેણીના વિઝા માટે વેઇટિંગ ટાઇમ નથી. એક પ્રકારના વિઝા કેટેગરીમાં વેઇટિંગ ટાઇમ હજુ આશરે 400 દિવસ છે, તેમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ 400 દિવસનો વેઇટિંગ ટાઇમ સ્વીકાર્ય નથી.