REUTERS/Adnan Abidi/File Photo

બ્રિટનની ફૂડ ઓથોરિટીએ ભારતથી તમામ મસાલાની આયાત પર વધારાના નિયંત્રણ પગલાં લાગુ કર્યા છે. ભારતની બે મસાલા બ્રાન્ડ્સમાં કેન્સરજન્ય જંતુનાશકોનું ઊંચું પ્રમાણ હોવાના આરોપો પછી વૈશ્વિક ખાદ્ય નિયમનકારોમાં ચિંતા ઉભી થયા પછી ભારતના તમામ મસાલાઓની ચકાસણીમાં વધારો કરનાર બ્રિટન વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો.

ભારતની તમામ મસાલા બ્રાન્ડને અસર કરતી અત્યાર સુધીની સૌથી કડક કાર્યવાહીમાં યુકેની ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સી (FSA)એ જણાવ્યું હતું કે તેને ભારતના મસાલામાં ઇથિલિન ઓક્સાઇડ સહિતના જંતુનાશકો માટે વધારાના નિયંત્રણ પગલાં લાગુ કર્યા છે. જોકે એજન્સીએ તે શું પગલાં લઈ રહી છે તે અંગે વિસ્તૃત માહિતી આપી ન હતી.

FSAના ફૂડ પોલિસીના ડેપ્યુટી ડાયરેક્ટર જેમ્સ કૂપરે રોઇટર્સને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે અહીં ઇથિલિન ઓક્સાઇડનો ઉપયોગ કરવાની મંજૂરી નથી તથા હર્બ્સ અને મસાલાઓ માટે જંતુનાશકોના મહત્ત્વ પ્રમાણનો નિયમ છે.

હોંગકોંગે ગયા મહિને એમડીએચ દ્વારા ઉત્પાદિત ત્રણ અને એવરેસ્ટ દ્વારા ઉત્પાદિત ત્રણ મસાલા બ્લેન્ડ્સનું વેચાણ સ્થગિત કરી દીધું હતું, કારણ કે તેમાં કેન્સરજન્ય જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડ પ્રમાણ ઊંચું મળી આવ્યું હતું. સિંગાપોરે પણ એવરેસ્ટ મિક્સને રિકોલ કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી ન્યુઝીલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત અને ઓસ્ટ્રેલિયાએ કહ્યું છે કે તેઓ બે બ્રાન્ડ્સ સંબંધિત મુદ્દાઓની તપાસ કરી રહ્યાં છે.

જોકે ભારતની બે સૌથી લોકપ્રિય બ્રાન્ડ્સ MDH અને એવરેસ્ટે કહ્યું છે કે તેમની પ્રોડક્ટ્સ વપરાશ માટે સલામત છે.

ભારત વિશ્વમાં મસાલાનો સૌથી મોટો નિકાસકાર, ઉપભોક્તા અને ઉત્પાદક છે.

ઓબ્ઝર્વેટરી ઓફ ઇકોનોમિક કોમ્પ્લેક્સિટી વેબસાઇટના ડેટા દર્શાવે છે કે 2022માં બ્રિટને કુલ $128 મિલિયનના મસાલાની આયાત કરી હતી, જેમાં ભારતનો હિસ્સો લગભગ $23 મિલિયન હતો. MDH અને એવરેસ્ટ યુ.એસ., યુરોપ, દક્ષિણ પૂર્વ એશિયા, મધ્ય પૂર્વ અને ઓસ્ટ્રેલિયા સહિતના ઘણા દેશોમાં તેમની પ્રોડક્ટ્સની નિકાસ કરે છે.

ભારતીય નિયમનકારોએ તમામ મસાલા પ્રોડક્ટ્સનું પરીક્ષણ પણ હાથ ધર્યું છે તથા MDH અને એવરેસ્ટની પ્રોડક્ટ્સના નમૂનાઓનું નિરીક્ષણ કર્યું છે, જોકે હજુ સુધી કોઈ પરિણામો જાહેર કરવામાં આવ્યા નથી. બુધવારે કેનેડિયન ફૂડ ઇન્સ્પેક્શન એજન્સીએ રોઇટર્સને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે MDH અને એવરેસ્ટના ઉત્પાદનોની અંગેની ચિંતાઓથી વાકેફ છે અને સ્થિતિ પર નજર રાખી રહી છે.

LEAVE A REPLY