પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે મંગળવારે જાહેરાત કરી હતી કે વ્યૂહાત્મક કંપનીઓ સિવાયની તમામ સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવશે. એક બેઠક પછી શરીફે જણાવ્યું હતું કે રાજ્યની માલિકીના તમામ સાહસોનું ખાનગીકરણ કરવામાં આવશે પછી ભલે તે નફામાં હોય કે નુકસાનમાં. SOEનું વેચાણ કરવાથી કરદાતાઓના નાણાંની બચત થશે.
શરીફે ઈસ્લામાબાદમાં ખાનગીકરણ મંત્રાલય અને ખાનગીકરણ કમિશન સાથે સંબંધિત બાબતો પર સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં કંપનીઓનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવાયો હતો.
આ બેઠકમાં ‘ખાનગીકરણ કાર્યક્રમ 2024-29’નો રોડમેપ રજુ કરાયો હતો, જેમાં વીજળીનું વિતરણ કરતી કંપનીઓનું પણ ખાનગીકરણ કરાશે. પાકિસ્તાનના વડાપ્રધાને આદેશ આપ્યો છે કે, તમામ સંઘીય મંત્રાલયો આ મામલે જરૂરી કાર્યવાહી કરે અને ખાનગીકરણ કમિશનને સહયોગ આપે. સરકારી માલિકીના બિઝનેસનું ખાનગીકરણ કરવાથી કરદાતાઓના રૂપિયા બચશે અને સરકાર લોકોને ગુણવત્તાયુક્ત સેવા પુરી પાડી શકશે.
મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનના વડાપ્રધાને ઈન્ટરનેશનલ એરલાઈન્સ કંપની લિમિટેડ (PIA)નું ખાનગીકરણ સહિત અન્ય કંપનીઓની બોલી લગાવવા તેમજ અન્ય પ્રક્રિયાઓનું સીધુ પ્રસારણ કરવાનો આદેશ આપ્યો હતો. શરીફે બેઠકમાં કહ્યું હતું કે પીઆઈએનું ખાનગીકરણ કરવાની પ્રક્રિયા હેઠળ આ મહિનાના અંત સુધીમાં પ્રી-ક્વોલિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ખાનગીકરણ પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા માટે પ્રાઈવેટાઈઝેશન કમિશનમાં એક્સપર્ટ્સની એક પેનલની પણ નિમણૂક કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે કેબિનેટ સમિતિએ 24 સરકારી માલિકીની કંપનીઓનું ખાનગીકરણ માટે મંજૂરી આપી હતી.