(ANI Photo)

છેલ્લાં અને સાતમાં તબક્કાના શનિવારે મતદાન પછી સાંજે જાહેર થયેલા તમામ ટીવી એક્ઝિટ પોલ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી બહુમતી સાથે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે તેવી સ્પષ્ટ આગાહી કરાઈ હતી. જો એક્ઝિટ પોલ સાચા ઠરશે તો મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનીને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરોબરી કરશે. જોકે ભારતમાં એક્ઝિટ પોલ્સનો હંમેશા સાચા પડતા નથી. ચૂંટણીનું વાસ્તવિક રિઝલ્ટ ચાર જૂને જાહેર થશે.

મોટા ભાગના એક્ઝિટ પોલ્સે અનુમાન લગાવ્યું હતું કે સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) કુલ 543 બેઠકો ધરાવતી લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી મેળવી શકે છે. લોકસભામાં સાદી બહુમતીનો આંકડો  272 છે. બે તૃતીયાંશ બહુમતીથી નવી સરકારને બંધારણમાં દૂરોગામી સુધારા કરવાની પણ મંજૂરી મળી શકે છે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર સતત ત્રીજી વખત ભાજપનો વિજય થવાની પણ આગાહી કરાઈ હતી.

છ એક્ઝિટ પોલના સરેરાશ અંદાજ મુજબ મોદીની આગેવાની હેઠળના NDA ગઠબંધનને 355થી અને 380 બેઠકો મળવાની શક્યતા છે. 2019ની ચૂંટણીમાં NDAને 353 બેઠકો મળી હતી. તેમાંથી ભાજપને 303 બેઠકો મળી હતી. 2019માં કોંગ્રેસને 53 અને તેના સહયોગીઓને 38 બેઠકો મળી હતી.

બીજી તરફ રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટીની આગેવાની હેઠળના વિપક્ષી  ઇન્ડિયા ગઠબંધનને 125 થી 165 બેઠકો મળી શકે છે.

ABP-C વોટરે ભાજપની આગેવાની હેઠળના ગઠબંધન માટે 353-383 બેઠકો અને વિપક્ષી ઇન્ડિયા જૂથ માટે 152-182 બેઠકોની આગાહી કરી હતી. ટુડેઝ ચાણક્યએ 2019ની ચૂંટણી કરતાં ભાજપ અને તેના ગઠબંધન માટે ખૂબ જ ઊંચા આંકડાની આગાહી કરી હતી. તેને બીજેપીને 335 અને એનડીએને 400 બેઠકો આપી હતી. તેને વિપક્ષી ગઠબંધનને 107 બેઠકો આપી હતી. ભાજપે આ લોકસભા ચૂંટણીમાં પોતાના ગઠબંધન માટે ‘400 પાર’નો નારો આપ્યો હતો. ટાઇમ્સ નાઉ-ઇટીજી રિસર્ચના એક્ઝિટ પોલમાં એનડીએ અને ઈન્ડિયા બ્લોકને અનુક્રમે 358 અને 152 બેઠકો મળી હતી.

એક્ઝિટ પોલ્સના તારણો મુજબ એનડીએ દક્ષિણ ભારતના રાજ્યો તમિલનાડુ અને કેરળમાં પોતાનું ખાતું ખોલશે અને કર્ણાટકમાં ફરી સપાટો બોલાશે. બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને હરિયાણા જેવા રાજ્યોમાં એનડીએની બેઠકોમાં ઘટાડો થવાની ધારણા છે.

રિપબ્લિક ટીવી-પી માર્ક પોલમાં દાવો કરાયો હતો કે શાસક ગઠબંધન 359 બેઠકો સુધી જીતશે અને વિપક્ષી ઇન્ડિયા જૂથ 154 બેઠકો જીતશે. રિપબ્લિક ટીવી-મેટ્રિઝ પોલમાં એનડીએને 353-368 બેઠકો અને વિપક્ષને 118-133 બેઠકો આપવામાં આવી હતી.

LEAVE A REPLY