ગુજરાતના 2002ના રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર ગેંગરેપ અને તેમના પરિવારના સાત સભ્યોની હત્યા બદલ આજીવન કેદની સજા પામેલ તમામ 11 દોષિતને જેલમાંથી સોમવારે મુક્ત કરવામાં આવ્યા હતા. આ અંગે બિલકિન બાનોના પતિ યાકુબ રસુલે જણાવ્યું હતું કે તમામ 11 દોષિતોને છોડી મુકવાના નિર્ણયથી તેમને આશ્ચર્ય થયું છે.
ગુજરાતના 2002ના રમખાણો દરમિયાન બિલકિસ બાનો સાથે ગેંગરેપ કરનારા તમામ 11 દોષિતોને ગુજરાત સરકારે મુક્તિ નીતિ હેઠળ આજીવન કેદની સજા ભોગવી રહેલા તમામ 11 દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી તમામ દોષિતોને સોમવારે ગોધરા સબ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.રસૂલે જણાવ્યું હતું કે તેઓ, તેમની પત્ની અને પાંચ પુત્રો આ ઘટના પછી આશરે 20 વર્ષથી કોઇ નિર્ધારિત સરનામા વગર જીવન ગુજારી રહ્યાં છે.
21 જાન્યુઆરી 2008ના રોજ મુંબઈમાં સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટે ગેંગ રેપ અને બિલકિસ બાનો પરિવારના સાત સભ્યોની હત્યા બદલ આ 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. આ સજાને બોમ્બે હાઇકોર્ટે પણ માન્ય રાખી હતી.
રસૂલે જણાવ્યું હતું કે તેમને મીડિયાથી આ અંગે જાણકારી મળી છે. આ દોષિતોની અરજીને ક્યારે પ્રોસેસ કરવામાં આવી તે અંગે તેઓ જાણતા નથી. રાજ્ય સરકારે કયા ચુકાદાને આધારે આ નિર્ણય લીધો તેની પણ જાણકારી નથી. અમને કોઇ નોટિસ આપવામાં આવી ન હતી.
આ પછી દોષિતોમાંથી એક દોષિતે સમય પહેલા જ મુક્તિ માટે માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જે બાદ સુપ્રીમ કોર્ટના આદેશ પર રાજ્ય સરકારે પંચમહાલ કલેક્ટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં સજા ઘટાડવા અથવા નાબૂદ કરવા માટે એક પેનલની રચના કરી હતી.
આ પેનલે બધા દોષિતોની સજાને પર્યાપ્ત માનતા અને જેલમાં તેઓના આચરણને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવ્યો કે, તેઓને સજામાં છૂટ આપતા મુક્ત કરી દેવામાં આવે. પેનલના પ્રમુખ પંચમહાલ કલેક્ટર સુજલ માયાત્રાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આદેશના થોડા મહિના પહેલા રચાયેલી સમિતિએ સર્વાનુમતે બિલકિસ બાનો કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા તમામ 11 દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. પેનલે પોતાના નિર્ણયની જાણકારી રાજ્ય સરકારને પણ મોકલી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો કે, તમામ 11 દોષિતોને જેલમાંથી મુક્ત કરવામાં આવે.