ગુજરાતના નવસારી નજીક મંદિર ગામમાં જન્મેલા અને વોલ્સોલમાં ઇલ્કેટ્રીક ટ્રાન્સફોર્મર મેન્યુફ્કેચરીંગ કંપની Q.A. ઈલેક્ટ્રીકલ પ્રોડક્ટ્સ લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર અને વેસ્ટ મિડલેન્ડ્સના જાણીતા અગ્રણી અલકાદેવી ડાહ્યાભાઈ પટેલને વિવિધ સમુદાયના લોકો અને બિઝનેસ – ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓ તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ રહી છે.
તા. 12મી જૂન 2022ના રોજ ઈંગ્લેન્ડના વૉલ્સૉલમાં અચાનક – દુઃખદ અવસાન પામેલા અલકાદેવી ડાહ્યાભાઈ પટેલનો જન્મ 1લી નવેમ્બર 1955ના રોજ ગુજરાત, ભારતમાં નવસારી નજીક મંદિર ગામમાં થયો હતો. માત્ર ત્રણ વર્ષની ઉંમરે તેઓ પોતાની માતા મધુકાન્તાબેન સાથે સ્ટીમર – વહાણમાં ઈંગ્લેન્ડ આવ્યા હતા અને વુલ્વરહેમ્પટનમાં પિતા ડાહ્યાભાઈ પટેલ સાથે જોડાયા હતા.
અલકાદેવી અને તેમની નાની બહેન રન્નાબહેન બંને વુલ્વરહેમ્પટનમાં ઉછર્યા હતા અને ઇંગ્લિશ શિક્ષણ પ્રણાલીનો આનંદ માણ્યો હતો. અલકાબહેને શિક્ષણ ઉપરાંત હોકી રમવી, શાળાના કોયરમાં ગાવું અને ડ્યુક ઓફ એડિનબરા એવોર્ડ સહિત ઘણી વધારાની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. તેમણે યુકેની આસપાસના ઘણા સ્થળોની મુલાકાતો લેવા સાથે સુંદર બાળપણ માણ્યું હતું. માત્ર 13 વર્ષની નાની ઉંમરથી, તેમણે વેસ્ટ મિડલેન્ડ્સમાં ગરબા નૃત્યોમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું અને ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી માટેના કાર્યક્રમોમાં પરફોર્મ કર્યું હતું. 18 વર્ષની ઉંમરે તેમના લગ્ન થયા હતા અને 5 વર્ષ માટે કેનેડા ગયા હતા. એકવાર તેઓ તેમની 18-મહિનાની પુત્રી, નિશા સાથે ઇંગ્લેન્ડ પાછા આવ્યા હતા અને ફરીથી પારિવારિક વ્યવસાયમાં જોડાયા હતા અને અંત સુધી યુકેમાં જ રહ્યા હતા.
અલકાબહેને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને બિઝનેસ મેનેજમેન્ટમાં ડીગ્રીનો અભ્યાસ કર્યો હતો. તેમના પિતાની નિવૃત્તિ પછી, તેમણે કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટરની ભૂમિકા નિભાવી હતી અને ડાહ્યાભાઈનું અવસાન થયું તે પહેલાં 2021માં તેમણે બિઝનેસના 50 વર્ષની ઉજવણી કરવા સાથે સફળતાપૂર્વક બિઝનેસ સંભાળ્યો હતો. જેના પરિણામે તેમને વૉલ્સૉલ બિઝનેસ વુમન ઓફ ધ યર અને મિડલેન્ડ્સ એશિયન ટ્રેડર એવોર્ડ જેવા એવોર્ડ પણ એનાયત કરાયા હતા. અલકાબહેન પ્રીમિયર બિઝનેસ એસ્ટેટની ટ્રેડિંગ કમિટીના મુખ્ય સભ્ય હતા જ્યાં તેમણે સ્થાનિક બિઝનેસીસમાં પર્યાવરણ અને આરોગ્ય અને સલામતી સાથેના વ્યવહારમાં પ્રતિનિધિત્વ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
અલકાબહેન તેમના જન્મના ગામ, મંદિર અને ખાસ કરીને હાઈસ્કૂલમાં વિશેષ રસ લેતા હતા. તેમણે તેના કલરકામ માટે પૈસા દાનમાં આપ્યા હતા. તેઓ ભારત જતા ત્યારે હંમેશા મંદિર ગામની મુલાકાત લેતાં હતાં. તેમને ભારતની મુલાકાત લેવાનું અને નવસારી અને સુરતમાં ખરીદી કરવાનું ખૂબ જ પસંદ હતું.
અલકાબેન વૉલ્સૉલના શ્રી રામ મંદિરમાં સમિતિના સભ્ય તરીકે જોડાયા હતા અને લગ્ન સમારોહમાં મેરેજ રજીસ્ટ્રાર તરીકે પણ સેવાઓ આપતા હતા. મંદિર દ્વારા તેમણે સામુદાયિક કાર્યોમાં સક્રિય રસ લીધો હતો. ખાસ કરીને બાળકોને ગુજરાતી લોકનૃત્યો શીખવીને તેમજ ભરતનાટ્યમના વર્ગોનું આયોજન કરીને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ જાળવી રાખવા અને પ્રોત્સાહન આપવા માટે તેમણે અથાક મહેનત કરી હતી.
પરમકૃપાળુ પરમાત્મા સદ્ગત અલકાબહેનના આત્માને શાશ્વત શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ આઘાત જીરવવાની શક્તિ આપે એવી ગરવી ગુજરાત પરિવારની પ્રભુ પ્રાર્થના.