વેસ્ટ મિડલેન્ડ્સના વોલ્સોલ ખાતે આવેલી Q.A. ઈલેક્ટ્રીકલ પ્રોડક્ટ્સ લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર અને વેસ્ટ મિડલેન્ડ્સના જાણીતા અગ્રણી અલકાબેન ડાહ્યાભાઇ પટેલનું 12મી જૂન 2022, રવિવારના રોજ તેમના ઘરે અચાનક અને દુઃખદ રીતે શાંતિપૂર્ણ અવસાન થયું હતું.
1 નવેમ્બર 1955ના રોજ ગુજરાતના મંદિર ગામે જન્મેલા અલકાબેન વેસ્ટ મિડલેન્ડ્સના વોલ્સોલના વિખ્યાત ઉદ્યોગપતિ સ્વ. ડાહ્યાભાઈ જે. પટેલ અને મધુકાન્તા પટેલના પુત્રી હતા.
વેસ્ટ મિડલેન્ડ્સ વિસ્તારમાં તેમણે બિઝનેસમાં આપેલા યોગદાન બદલ 2013માં મિડલેન્ડ્સમાં યોજાયેલ એશિયન બિઝનેસ એવોર્ડ્ઝ સમારોહમાં તેમને બિઝનેસવુમન ઓફ ધ યર એવોર્ડ એનાયત કરાયો હતો.
એક સાહસિક ઉદ્યોગપતિ તરીકે ખ્યાતિ પામેલા અલકાબેન અને તેમના પરિવારે જ્યારે બ્રિટિશ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી દૂર પૂર્વના દેશોના સસ્તા હરીફો સામે હારી ગઇ હતી ત્યારે પોતાના ઇલેક્ટ્રિકલ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ દ્વારા વિવિધ પ્રોડક્ટ્સના 90 ટકા ઉત્પાદનોની નિકાસ કરી હતી જે હાલમાં પણ ચાલુ છે.
Q.A. ઈલેક્ટ્રીકલ પ્રોડક્ટ્સ લિમિટેડની સ્થાપના સ્વ. ડાહ્યાભાઈ જે. પટેલ અને મધુકાન્તા પટેલ દ્વારા 1971માં કરવામાં આવી હતી. વુલ્વરહેમ્પટન યુનિવર્સિટીમાંથી બિઝનેસની ડીગ્રી લઇ અલકાબેન 1979માં પારિવારિક વ્યવસાયમાં જોડાયા હતા અને પિતા ડાહ્યાભાઇ પાસેથી બિઝનેસની આંટીઘૂંટી શિખ્યા હતા. તેમણે 1994માં મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ કંપનીને મોટી સફળતા તરફ દોરી હતી. તેમણે જ વર્તમાન ઇલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મર્સની સીરીઝ બનાવી હતી જે તેની ગુણવત્તા અને આયુષ્ય માટે પ્રખ્યાત છે.
તેમનો બિઝનેસ ઉચ્ચ ગુણવત્તાવાળા ઇલેક્ટ્રિકલ ટ્રાન્સફોર્મર્સના સપ્લાયર તરીકે ઈર્ષ્યા થાય તેવી પ્રતિષ્ઠા ધરાવે છે. તેઓ વર્ષે 50,000થી વધુનું ઉત્પાદન કરે છે. અલકાબેન સ્થાનિક ચેમ્બર ઓફ કોમર્સના બોર્ડમાં પણ છે.
અલકાબેન વોલ્સોલ સ્થિત શ્રી રામ મંદિરના સક્રિય સભ્ય પણ હતા જેની સ્થાપનામાં તેમના પિતા ડાહ્યાભાઈ પટેલનો અમુલ્ય ફાળો હતો. અલકાબેન પોતાની રીતે એક અગ્રણી સામાજીક અગ્રણી હતા ને હાલમાં તેઓ મંદિરમાં મેરેજ રજીસ્ટ્રાર તરીકે સેવાઓ આપે છે.
તેઓ પરિવારમાં માતા મધુબેન, પુત્રી નિશા અને બહેન રન્ના તેમજ વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે.
અલકાબેન અને તેમના પિતા સ્વ. ડાહ્યાભાઈ પટેલના ગરવી ગુજરાત પરિવાર અને દિવંગત તંત્રી શ્રી રમણિકલાલ સોલંકી સાથે ખૂબ જ સ્નેહભર્યા સંબંધો હતા.
ગરવી ગુજરાત પરિવાર પરમ કૃપાળુ પરમાત્માને સ્વ. અલકાબેનના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે અને તેમના પરિવારજનોને આ કારમા આઘાતમાં બળ મળે તે માટે સાંત્વના પાઠવે છે.