ગ્રેટર માન્ચેસ્ટરના ઓલ્ડહામ સિક્સ્થ ફોર્મ કોલેજમાં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થીની અલીશા ગોપનું કાર અકસ્માતમાં મોત નિપજાવનાર બે નવયુવાન રેસર્સને મૃત્યુ માટે દોષી ઠેરવી 14 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી.
ગત ફેબ્રુઆરીમાં 22 વર્ષના ઓમર ચૌધરીની BMW કારનો તેના વિસ્તૃત પરિવારના સભ્ય, 24 વર્ષીય હમીદુર રહેમાન દ્વારા પીછો કરાતો હતો. ચૌધરીએ ઓલ્ડહામના રોશડેલ રોડ પર રોયલ ઓલ્ડહામ હોસ્પિટલ નજીક 66 માઇલ પ્રતિ કલાકના ઝોનમાં 30 માઇલ પ્રતિ કલાકની ઝડપે કાર હંકારી અલીશાને ગંભીર ઇજાઓ કરી હતી. અલીશાને ઘટનાસ્થળે મૃત જાહેર કરવામાં આવી હતી.
મિન્શુલ સ્ટ્રીટ ક્રાઉન કોર્ટની સુનીવણીમાં બંનેએ જોખમી રીતે ડ્રાઇવિંગ કર્યું હોવાનું સ્વીકાર્યું હતું, પરંતુ તેમણે અલિશાના મૃત્યુનું કારણ હોવાનું નકાર્યું હતું અને એકબીજા પર દોષારોપણ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઓલ્ડહામના રહેમાન અને ચૌધરીને 14 વર્ષની જેલ અને 12 વર્ષ માટે ડ્રાઇવિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રહેમાન કિશોર વયે ચોરેલા સામાન અને ખતરનાક ડ્રાઇવિંગ કરવા માટે સજા થઇ ચૂકી છે. રહેમાન તેની બીએમડબલ્યુ 1 સિરીઝ વીમા વગર ચલાવતો હતો.