સંજય લીલા ભણશાળીના ડાયરેક્શનમાં નિર્મિત આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગૂબાઇ કાઠિયાવાડી’ના ડિજિટલ રાઇટ્સ અંગે મહત્ત્વની બાબત સામે આવી છે. આ ફિલ્મના ડીજિટલ રાઇટસ ઓટીટી પ્લેટફોર્મ- નેટફિલકસે મોંઘા ભાવે ખરીદી લીધા હોવાનું સૂત્રો કહે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નેટફિલકસે રૂ. ૭૦ કરોડમાં આ રાઇટ્સ ખરીદ્યા છે.
આ ફિલ્મ એસ. હુસૈન ઝૈદીના પુસ્તક માફિયા કવીન્સ ઓફ મુંબઇના એક પ્રકરણ પર બની છે. આ ફિલ્મ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પ્રદર્શિત થવાની હતી, પરંતુ કોરોના મહામારીના કારણે તેની રિલીઝ અટકી ગઇ હતી. 1 જાન્યુઆરીએ ભણશાળી પ્રોડકશન્સે આ ફિલ્મ વર્તમાન વર્ષમાં રિલીઝ કરવાનો ઇશારો કર્યો હતો. પ્રોડકશન હાઉસે ટવિટર પર એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું હતું. સાહસી અને બેબાક ર૦ર૧માં રાજ કરવા તૈયાર છે. આંખોમાં જવાળા લઇને તેનો ખતરનાક અંદાજ છે. આ ફિલ્મના કલાકારો અને સંજય લીલા ભણશાળીની ઇમેજના કારણે નેટફિલકસ આટલી રકમ ખર્ચી રહ્યું છે. ફિલ્મમાં શાંતનું મહેશ્વરી, સીમા પાહવા અને વિજયરાજ જેવા કલાકારો જોવા મળશે. બીજી તરફ અજય દેવગણ, ઇમરાન હાશમી અને હુમા કુરેશી મહેમાન કલાકારની ભૂમિકામાં દેખાશે.