આલિયા ભટ્ટની નવી ફિલ્મ આરઆરઆરનું પોસ્ટર તાજેતરમાં પ્રકાશિક થયું હતું. આ પોસ્ટરમાં આલિયા લીલા રંગની સાડીમાં જોવા મળી હતી. આ દક્ષિણ ભારતીય ફિલ્મ છે, જેના દ્વારા આલિયા પ્રથમ વખત દક્ષિણની ફિલ્મોમાં પદાર્પણ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આલિયાએ આ ફિલ્મમાં કામ કરવા માટે ફી તરીકે રૂ. છ કરોડ લીધા છે. સાઉથની ફિલ્મોમાં પ્રથમવાર આટલી મોટી ફી કોઇ અભિનેત્રીને આપવામાં આવી છે. સામાન્ય રીતે ત્યાં કામ કરનારી ટોચની અભિનેત્રીઓને પણ એક ફિલ્મ માટે આટલી ફી મળતી નથી.
આ ફિલ્મમાં આલિયા સાથે રામ ચરણ, જુનિયર એનટીઆર અને અજય દેવગણ કામ કરી રહ્યા છે. આલિયાએ પોતાના હિસ્સાનું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. બાકી રહેલું શૂટિંગ આલિયા ઝડપથી પૂર્ણ કરશે. ફિલ્મને આ વર્ષે દશેરાએ પ્રદર્શિત કરવાની યોજના છે. જોકે ઘણા ટ્રેડ નિષ્ણાંતોનું માનવું છે કે કોરોનાના કારણે આ ફિલ્મનું પોસ્ટ પ્રોડકશન કામ નિર્ધારિત સમય પર પૂર્ણ થઇ શકશે નહીં. જેથી ફિલ્મને આવતા વર્ષે જ રિલીઝ કરવી પડશે. જોકે અત્યારે આ ફિલ્મની રિલીઝની તારીખમાં ફેરફાર થાય તેવા કોઇ સંકેત મળતા નથી.