જનરલ રાવત વિરુદ્ધ સોસિયલ મીડિયામાં વાંધાજનક ટીપ્પણીથી વ્યથિત કેરળના ફિલ્મ નિર્માતા અલી અકબરે મુસ્લિમ ધર્મનો ત્યાગ કરવાની શનિવારે જાહેરાત કરી હતી. ફિલ્મનિર્માતાએ જણાવ્યું હતું કરુણ ઘટના અંગેની ઉજવણી કરતા લોકોની વિરુદ્ધમાં તેમણે આ નિર્ણય કર્યો છે.
મલાયલમ ફિલ્મ ડિરેક્ટર અને સંઘ પરિવારના સમર્થક અલી અકબરે જાહેરાત કરી હતી કે તેઓ અને તેમના પત્ની જનરલ રાવત અને બીજા લોકોના મોતની ઉજવણી કરતાં સોસિયલ મીડિયા યુઝર્સની વિરુદ્ધમાં મુસ્લિમ ધર્મનો ત્યાગ કરશે.
ફિલ્મ નિર્માતા અલી અકબરે જણાવ્યું હતું કે તેઓ અને તેમની પત્ની લુસિમ્મા હિન્દુ ધર્મ અપનાવશે અને હવે મુસ્લિમ નહીં રહે. કેટલાંક મુસ્લિમો દ્વારા સોસિયલ મીડિયામાં જનરલ રાવતના અવસાનના ન્યૂઝની નીચે સ્માઇલી ઇમોટિકોન્સ અને જનરલ રાવત અંગે વાંધાજનક ટીપ્પણીઓથી વ્યથિત થઈને તેમણે આ નિર્ણય કર્યો છે. અકબરે શુક્રવારે સોસિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વીડિયોમાં જણાવ્યું હતું કે “હું આજથી મુસ્લિમ નથી. હું એક ભારતીય છું.” જનરલ રાવતના અવસાન સંબંધિત ન્યૂઝ રીપોર્ટની નીચે સ્માઇલી ઇમોટિકોન મૂકનાર લોકોનો વિરોધ કરતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રવિરોધી લોકોની સાથે રહી શકે નહીં.