રવિવારે (16 જુલાઈ) સ્પેનના 20 વર્ષના કાર્લોસ અલ્કારાઝે ડીફેન્ડીંગ ચેમ્પિયન, 36 વર્ષના નોવાક જોકોવિચને પાંચ સેટની ફાઈનલના લાંબા મુકાબલામાં 1-6, 7-6 (8-6), 6-1, 3-6, 6-4થી હરાવી એક નવા યુગનો આરંભ કર્યો હતો. જો કે, કાર્લોસ ગયા વર્ષે યુએસ ઓપનનો તાજ હાંસલ કરી ચૂક્યો હતો.
તો મહિલા સિંગલ્સમાં ચેક રીપબ્લિકની 24 વર્ષની માર્કેટા વોન્ડ્રોસોવા ચેમ્પિયન બની હતી. તેણે ટ્યુનિશીઆની જેબુરને સીધા સેટ્સમાં 6-4, 6-4થી હરાવી પોતાનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ તાજ હાંસલ કર્યો હતો.
જોકોવિચના વર્ચસ્વના અસ્તનો આરંભ કરાવનારા અલ્કારાઝે ચાર કલાક 42 મિનિટનો જબરજસ્ત સંઘર્ષ કર્યા પછી પોતાની કારકિર્દીનું આ બીજુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ હાંસલ કર્યું હતુ. જોકોવિચ અત્યારસુધીમાં વિમ્બલ્ડનનો તાજ સાત વખત અને તમામ ગ્રાન્ડ સ્લેમ્સ મળી 23 ટાઈટલ હાંસલ કરી ચૂક્યો હતો, પણ રવિવારે તેની ટાઈટલયાત્રામાં એક વિરામ આવ્યો હતો. જોકોવિચ માટે 10 વર્ષ પછી વિમ્બલ્ડનનું ટાઈટલ ગુમાવવાનો આ પ્રસંગ બન્યો છે, તો અલ્કારાઝે ઓલ ઈંગ્લેન્ડ ક્લબ ખાતે પહેલી જ ફાઈનલમાં ટાઈટલ હાંસલ કરી એ મુકાબલો યાદગાર બનાવ્યો હતો. કાર્લોસ આ અગાઉ ફ્રેન્ચ ઓપનમાં જોકોવિચને હરાવવામાં નિષ્ફળ રહ્યો હતો.
મહિલા સિંગલ્સમાં વોન્ડ્રોસોવા વિમ્બલ્ડન ચેમ્પિયન બનેલી ચેક રીપબ્લિકની ત્રીજી ખેલાડી છે. 1998માં જાના નોવોત્ના અને પછી પેટ્રા ક્વિટોવાએ 2011 અને 2014માં વિમ્બલ્ડનનું ટાઇટલ મેળવ્યું હતું. વોન્ડ્રોસોવા 2019માં ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચી હતી, પણ ઓસ્ટ્રેલિયાની એશ્લી બાર્ટી સામે હારી ગઈ હતી. આ ઉપરાંત તે બારબોરા સ્ટ્રાઇકોવા સાથે ઓસ્ટ્રેલિયા ઓપનની ડબલ્સની સેમિફાઇનલમાં પણ પહોંચી હતી.