અમેરિકામાં શુક્રવાર, 5 જાન્યુઆરીની સાંજે એલાસ્કા એરલાઇન્સનું એક વિમાન હવામાં આશરે 16,000 ફૂટની ઊંચાઈ પર હતું ત્યારે તેની એક વિન્ડો અને ફ્યુઝલેજનો એક ભાગ તૂટીને હવામાં ઉડી ગયો હતો. તેનાથી પ્લેનને ઓરેગાન રાજ્યના પોર્ટલેન્ડ શહેરમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ દુર્ઘટના બની ત્યારે વિમાનમાં 174 મુસાફરો અને છ ક્રુ મેમ્બર હતા. જોકે તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. આ ઘટનાને પગલે અલાસ્કા એરલાઇન્સે તેના તમામ બોઇંગ 737-9 વિમાનોની ઉડાન બંધ કરી હતી.
આ ઘટના ટેક-ઓફના થોડા સમય બાદ બની હતી. ફ્લાઇટ ડેટા દર્શાવે છે કે પોર્ટલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાછા ફરતા પહેલા પ્લેન 16,000 ફીટ (4,876 મીટર) પર પહોંચ્યું હતું. સાંજે 5:07 વાગ્યે ઉડાન ભર્યા પછી લગભગ છ મિનિટ પછી વિમાનને ડાયવર્ટ કરાયું હતું અને તે સાંજે 5:26 વાગ્યે લેન્ડ થયું હતું.
એરલાઈન્સે જણાવ્યું હતું કે વિમાન 174 મુસાફરો અને છ ક્રૂ સભ્યો સાથે સુરક્ષિત રીતે ઉતર્યું હતું. અલાસ્કા એરલાઇન્સના સીઇઓ બેન મિનીકુચીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફ્લાઇટ 1282ની આજની રાતની ઘટનાને પગલે અમે અમારા 65 બોઇંગ 737-9 એરક્રાફ્ટના કાફલાને અસ્થાયી રૂપે ગ્રાઉન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. દરેક વિમાનના સંપૂર્ણ મેન્ટેનન્સ અને સિક્યોરિટી ચેક પછી સેવામાં પરત લેવાશે. એરલાઈને કોઈને ઈજા થઈ છે કે કેમ તે અંગે કોઈ માહિતી આપી નથી. આ ઘટનાનું કારણ પણ આપ્યું ન હતું.