એલોન મસ્કની ‘સ્પેસ-એક્સ’ કંપનીએ નાસાના બે અવકાશયાત્રીઓ – બોબ બેહ્નકૅન અને ડગ હર્લીને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચાડવાની સાથે કમર્શીયલ અવકાશી ઉડ્ડયન ક્ષેત્રમાં ઐતિહાસિક સીમાચિહ્ન સ્થાપિત કરવાની સાથે નવો ઈતિહાસ આલેખ્યો હતો. ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી ક્રુ ડ્રેગન અવકાશયાન અને ફાલ્કન ૯ રોકેટે સ્પેસ સ્ટેશનની સફર શરૂ કરી તે ઘટનાના સાક્ષી બનવા માટે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત ઉચ્ચ અધિકારીઓ તેમજ નાસા અને સ્પેસએક્સના વૈજ્ઞાાનિકો અને અધિકારીઓની સાથે મોટી સંખ્યામાં અમેરિકન નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્પેસ મિશનની વિશેષતા એ હતી કે, વર્ષ ૨૦૧૧ બાદ પહેલી વખત અમેરિકી ધરતી પરથી અવકાશયાત્રીઓએ ઉડાન ભરી હતી. જ્યારે સૌપ્રથમ વખત ખાનગી કંપનીએ તૈયાર કરેલા અવકાશયાનમાં યાત્રીઓને સ્પેસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યા છે. નાસાએ સ્પેસ-શટલ પ્રોગ્રામ બંધ કરી દીધા બાદ તે મોટાભાગે અન્ય દેશોના મિશન પર આધારિત હતુ અને હવે આ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓએ પણ પ્રવેશ કર્યો છે.
આ મિશનમાં કામયાબી મળશે તો સ્પેસ એકસ કંપની આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન અન્ય ૬ ઓપરેશનલ મિશન માટે આગળ વધવાની હોવાનું જાણવા મળે છે. નાસાએ સ્પેસ એકસ સાથે ૨.૬ બિલિયન ડોલરનો ક્રોન્ટ્રાકટ પણ કરશે.બોઇંગ સાથેની ડિલ પણ ૪.૨ બિલિયન ડોલરની છે. પ્રતિકૂળ હવામાનના કારણે તારીખ ૨૮મી મે ના રોજ લોન્ચ ન થઈ શકેલા આ મિશનનો ભારતીય સમય પ્રમાણે તારીખ ૩૦મી મે એ મધરાત બાદ ૧૨:૫૨ કલાકે (સ્થાનિક અમેરિકી સમય પ્રમાણે બપોરે ૩:૨૨ કલાકે) પ્રારંભ થયો હતો. ગણતરીની મિનિટોમાં જ મિશન સફળતાપૂર્વક પાર પડતાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે સાથે સ્પેસ-એક્સ કંપનીના સ્થાપક-સીઇઓ એલોન મસ્કે ભારે રાહત અનુભવતા ઉજવણી કરી હતી. ભારતીય સમય પ્રમાણે રાત્રે ૮:૦૦ વાગ્યે ક્રુ ડ્રેગન સ્પેસ સ્ટેશન પર પહોંચી ગયું હતુ.
ટેસ્લાના સીઇઓ એલોન મસ્ક આખુ મિશન સંભાળી રહેલી ‘સ્પેસ-એક્સ’ કંપનીના સ્થાપક-સીઇઓ છે. મિશનની સફળતાની સાથે સ્પેસ-એક્સ વિશ્વની એવી પહેલી ખાનગી કંપની બની ગઈ છે કે, જેણે સમાનવયાનને અંતરિક્ષમાં મોકલ્યું હોય. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીનની સરકારોએ જ સમાનવયાનને અંતરીક્ષમાં મોકલ્યા હતા.
પુન: ઉપયોગમાં લઈ શકાય તેવું યાન કે જેનું નામ ‘ક્રુ ડ્રેગન’ છે, તેમાં બંને અવકાશયાત્રીઓની સફર ૧૯ કલાકની રહેશે. ફ્લોરિડાના સ્પેસ સેન્ટરથી શરૂ થયેલી ઉડાનના ૧૯ કલાક બાદ તેઓ અવકાશમાં તરી રહેલા સ્પેસ સ્ટેશન પર પહોંચશે. અમેરિકાના સમય અનુસાર આ યાન રવિવારે જ સવારે ૧૦:૨૯ કલાકે (ભારતીય સમય પ્રમાણે રવિવારે રાત્રે ૧૯:૫૯ કલાકે) સ્પેસ સ્ટેશને પહોંચી ગયું હતુ.
કોરોના મહામારીને કારણે ભારે સંઘર્ષ કરી રહેલી અમેરિકન પ્રજાને આ મિશનથી પોતાના દર્દ ભૂલવાની સાથે ઉજવણીની એક તક સાંપડી હતી. ફ્લોરિડાના ટિટુસ્વિલેમાં આવેલા એક પૂલ પર હજ્જારોની સંખ્યામાં અમેરિકન નાગરિકો આ લોન્ચિંગને જોવા માટે ઉમટી પડયા હતા.
નાસા રશિયાના ‘સોયુઝ’ યાનને પડતું મુકીને હવે ‘સ્પેસ-એક્સ’ની સાથે આગળ વધશે અમેરિકાની અવકાશી સંશોધન કરતી સંસ્થા- નાસા – એ તેના સ્પેસ શટલનો ૨૦૧૧માં સર્જાયેલા અકસ્માત બાદ પ્રોજેક્ટ પડતો મૂક્યો હતો. જેના કારણે તેઓ અવકાશમાં યાત્રીઓ મોકલવા માટે રશિયાના ‘સોયુઝ’ યાનની મદદ લેતા હતા અને આ માટે તેઓ જંગી રકમ ચૂકવતા હતા. જોકે એલોન મસ્કની ‘સ્પેસ-એક્સ’ કંપનીએ સફળતાપૂર્વક સમાનવયાન લોન્ચ કરતાં હવે નાસા આગામી સમયમાં આ જ કંપનીને વધુ પ્રોજેક્ટ આપશે તેમ મનાય છે.