મહંમદ પયગંબર સાહેબ અંગે ભાજપના બે નેતાઓની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ મુસ્લિમ દેશોએ ભારત સરકાર સામે સખત સત્તાવાર વિરોધ નોંધાવ્યા બાદ હવે ત્રાસવાદી સંગઠન અલ કાયદાએ પણ ગુજરાત સહિત ભારતના વિવિધ સ્થળો પર આત્મઘાતી હુમલા કરવાની ધમકી આપી છે વૈશ્વિક સ્તરે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ-કાયદા ઇન ધ ઈન્ડિયન સબ-કોન્ટિનેન્ટ (AQIS) એ આ મામલે ભારતને મંગળવારે ધમકી આપી હતી કે તે દિલ્હી, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મુંબઈમાં હુમલા કરશે અને તે તેના આત્મઘાતી બોમ્બરોનો ઉપયોગ કરશે.
વિશ્વભરના આતંકવાદીઓ પર નજર રાખતી સંસ્થા ફ્લેશપોઈન્ટના સ્થાપક ઈવાન કોલમેને તેમના ટ્વીટમાં જણાવ્યું હતું કે અલ-કાયદાએ ભારતને ધમકી આપતો સંદેશાવ્યવહાર જારી કર્યો છે. કોલમેને પોતાના ટ્વીટમાં અલ-કાયદાને ટાંકીને કહ્યું કે, ‘અમે તે લોકોને મારી નાખીશું જેમણે અમારા પયગંબરનું અપમાન કર્યું છે. અમે અમારા બાળકોના શરીર પર વિસ્ફોટકો બાંધીશું અને એ લોકોને ઉડાવીશું જેઓ અમારા પયગંબરનું અપમાન કરવાની હિંમત કરે છે. તેઓને માફી કે દયા નહીં મળે.
ટ્વિટ અનુસાર, અલ-કાયદાએ કહ્યું છે કે, ‘ભગવા આતંકવાદીઓ હવે દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં તેમના અંતની રાહ જુએ. તેઓ ન તો તેમના ઘરોમાં અને ન તો આર્મી કેમ્પમાં છુપાઈ શકશે. જો અમે અમારા પ્રિય પયગંબરનો બદલો ન લઈ શકીએ તો અમારી માતાએ અમારાથી અલગ થઈ જાય.
આતંકવાદીઓ પર નજર રાખતી વેબસાઈટ SITE ઈન્ટેલિજન્સ ગ્રુપે પણ આ અંગે માહિતી આપી છે કે , “અલ-કાયદાએ પયગંબરના અપમાનનો બદલો લેવા ભારતમાં વિનાશ વેરવાની ધમકી આપી છે.” 7 જાન્યુઆરી 2015ના રોજ, અલ-કાયદાએ મોહમ્મદના વાંધાજનક કાર્ટૂન પ્રકાશિત કરવા બદલ પેરિસમાં ચાર્લી હેબ્દો મેગેઝિનની ઓફિસ પર આતંકવાદી હુમલો કર્યો, જેમાં 12 લોકો માર્યા ગયા હતા.યુએનના રિપોર્ટ અનુસાર AQIS અફઘાનિસ્તાનથી આતંકી પ્રવૃત્તિઓ કરે છે. સંગઠનમાં બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર અને પાકિસ્તાનના 150થી 200 સભ્યો છે.