અક્ષયકુમારે મુંબઇમાં એક મોંઘેરો ફ્લેટ ખરીદ્યો હોવાનું જાણવા મળ્યું છે. ખાર વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં 19મા માળે આ ફ્લેટ 1878 ચોરસ ફૂટનો છે. જોય લીજન્ડ બિલ્ડિંગમાં આ વૈભવી ફ્લેટની કિંમત અંદાજે આઠ કરોડ છે. આ ફ્લેટ સાથે અક્ષયને ચાર કારનું પાર્કિંગ પણ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે, અક્ષયકુમારે પોતાની એક જુની પ્રોપર્ટી વેચીને તેના સ્થાને નવા ફ્લેટમાં રોકાણ કર્યું છે. ગત વર્ષે ડિસેમ્બરમાં અંધેરી વેસ્ટમાં અક્ષયે પોતાની એક ઓફિસ રૂપિયા નવ કરોડમાં વેચી હતી. એ પછી તેણે ખારમાં વૈભવી ફ્લેટ ખરીદ્યો છે. અત્યારે અક્ષય જ્યાં રહે છે તે ફ્લેટ સી ફેસિંગ હોવાનું કહેવાય છે.
ગોવા અને મોરેસિયશમાં પણ અક્ષય કુમાર પાસે કરોડોની પ્રોપર્ટી છે. બોલીવૂડમાં અક્ષયની ગણતરી સૌથી વધુ ફી લેનારા અભિનેતા તરીકે થાય છે. જોકે, ઇન્કમટેક્સ ભરવામાં પણ મોખરે રહે છે. તે એક ફિલ્મ માટે રૂ. 135 કરોડ જેટલી ફી લે છે. આ ઉપરાંત અક્ષયકુમાર ફિલ્મના નફામાંથી અમુક ટકા પોતાનો હિસ્સો રાખતો હોય છે. કહેવાય છે કે, તે કુલ બે હજાર કરોડની નેટવર્થ ધરાવે છે.