બોલીવૂડના ખિલાડી કુમાર ઉર્ફે અક્ષયકુમારે ગુજરાતમાં સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિર્માણ કર્યું હતું. આ ડોક્યુમેન્ટરીને ‘સ્ટૅચ્યુ ઑફ યુનિટી : એકતા કા પ્રતીક’ નામ આપવામાં આવ્યું છે, જેનો તાજેતરમાં પ્રીમિયર શો યોજાયો હતો.
સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને એક કરવાનું કામ કર્યું હતું અને એથી જ તેમની પ્રતિમાને સ્ટૅચ્યુ ઑફ યુનિટી નામ આપવામાં આવ્યું છે. ૪૦ મિનિટની આ ડોક્યુમેન્ટરીનું દિગ્દર્શન આનંદ એલ. રાય દ્વારા કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે આ પ્રોજેક્ટનું સપનું જોયું હતું તે પણ તેમાં દેખાડવામાં આવ્યું છે. ત્યાંથી લઈને આ સ્ટેચ્યુ બન્યા સુધીની તમામ વાતો આ ડોક્યુમેન્ટરીમાં આવરી લેવામાં આવી છે.
હજ્જારો લોકો આ સ્ટૅચ્યુની મુલાકાત લઇ રહ્યા છે અને તેનો આંકડો ઘણીવાર એક દિવસમાં પચાસ હજારને પાર કરી ચૂક્યો છે. આ ડોક્યુમેન્ટરી અંગે અક્ષયકુમારે કહ્યું કે ‘મારા માટે ‘સ્ટૅચ્યુ ઑફ યુનિટી : એકતા કા પ્રતીક’નો ભાગ બનવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે. દરેક ભારતીયમાં રહેલી એકતાની ભાવનાને આ દ્વારા માન આપવામાં આવ્યું છે. સરદાર પટેલની દીર્ઘદૃષ્ટિ અને નેતૃત્ત્વ આજે પણ આપણને પ્રેરણા આપે છે. એક દેશ તરીકે એકતામાં કેટલી તાકાત છે એનો આજે પણ એહસાસ કરાવે છે. આશા રાખું છું કે આ ડોક્યુમેન્ટરી લોકોને આપણા ઇતિહાસ અને હંમેશાં એક રહેવામાં કેટલી શક્તિ છે તેની યાદ અપાવશે.’

LEAVE A REPLY