કોમેડી ફિલ્મોને વધારે અસરકારક બનાવનારા અક્ષયકુમારે ‘ફુકરે’ના દિગ્દર્શક સાથે નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં હિટ ફિલ્મ માટે ઉત્સુક અક્ષય કુમારે નવેસરથી ઈનિંગ શરૂ કરી હોય તેમ કોમેડી ફિલ્મો પર ફોકસ વધાર્યું છે.
33 વર્ષની ફિલ્મી કરિયરમાં અક્ષયકુમારે સિંગ ઈઝ કિંગ, વેલકમ, ભાગમ-ભાગ, હેરાફેરી અને દે દનાદન જેવી શાનદાર કોમેડી ફિલ્મો આપી છે. અક્ષયકુમારની કોમેડી ફિલ્મો ફ્લોપ રહી હોય તેવું બન્યું નથી. જેના કારણે અક્ષય કુમારે કોમેડી કિંગ બનવા આતુર હોય તેમ જણાય છે. આવનારા સમયમાં તેમની કોમેડી ફિલ્મો – જોલી એલએલબી 3, હેરાફેરી, 3, હાઉસફુલ 5 અને વેલકમ ટુ જંગલ આવી રહી છે. કોમેડી ફિલ્મોની આ યાદીમાં ફુકરેની ટીમ સાથે નવા પ્રોજેક્ટનો સમાવેશ થઈ શકે છે.
અક્ષયકુમારે એક્શન, કોમેડી, દેશ પ્રેમ અને સામાજિક મુદ્દાઓ પર ફિલ્મ કરેલી છે. અક્ષયકુમારની છેલ્લી હિટ ફિલ્મ સૂર્યવંશી હતી. એક્શન ફિલ્મોમાં દિલધડક સ્ટન્ટના કારણે અક્ષયે આગવી ઓળખ ઊભી કરેલી છે. અક્ષયકુમારે આગામી સમયમાં કોમેડી ફિલ્મો પર વધારે ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. ફુકરેના ડાયરેક્ટર મૃગદીપ સિંહ સાથે અક્ષયે હાથ મિલાવ્યા હોવાનું કહેવાય છે.
અક્ષયકુમારે પાછલા એક દાયકા દરમિયાન કોમેડી ફિલ્મોથી અંતર રાખ્યું છે. જોકે હવે સમય બદલાયો છે અને તેથી અક્ષયે પોતાના સુપરહિટ અંદાજને નવા સ્વરૂપે રજૂ કરવા કવાયત હાથ ધરી છે. અક્ષયકુમાર અને ફુકરેના ડાયરેક્ટર ટોટલ ધમાલ ફિલ્મ બનાવવાના છે. મેરિડ લાઈફની ખાટી-મીઠી ઘટનાઓને કોમેડી રીતે રજૂ કરવામાં આવશે.
અક્ષયકુમારની આગામી ફિલ્મોમાં મોટાભાગે કોમેડીનો સમાવેશ થાય છે. જોકે આ ફિલ્મો અગાઉ તેમની એક્શન ફિલ્મ બડે મિયાં છોટે મિયાં જોવા મળશે. ટાઈગર શ્રોફ સાથેની આ ફિલ્મને મોટા બજેટથી બનાવવામાં આવી છે અને ફિલ્મના પ્રમોશનમાં પણ કોઈ કસર રખાતી નથી.