અત્યારે બોલીવૂડમાં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મની સામે અક્ષયકુમારની બચ્ચન પાંડે થીયેટરમાં ડચકા ખાઈ રહી છે ત્યારે મિશન સિન્ડ્રેલાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ફિલ્મનું શૂટિંગ રેપ અપ થયા પછી પોસ્ટ પ્રોડક્શન પણ પૂરું થવાની તૈયારીમાં છે. ફિલ્મના મેકર્સે તેને થીયેટરના બદલે સીધી ડિજિટલ રિલિઝ કરવાનો નિર્ણય લીધો છે. તમિલ ફિલ્મ રત્નાસનની આ હિન્દી રીમેક છે, જેમાં અક્ષયે પોલીસ ઓફિસરનો રોલ કર્યો છે. આ ફિલ્મ સાથે અક્ષય અને રકુલ પ્રીત સિંઘ પ્રથમાવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મને જેકી અને વાસુ ભગનાનીએ પ્રોડ્યુસ કરી છે.
ફિલ્મને 22 એપ્રિલે ડિઝની+હોટસ્ટાર પર રિલિઝ કરવામાં આવશે. અગાઉ અક્ષયની ફિલ્મ લક્ષ્મી સીધી ઓટીટી પર રિલિઝ થઈ હતી. અક્ષયની આ બીજી ફિલ્મ ઓટીટી પર આવી રહી છે. ફિલ્મના સેટેલાઈટ અને મ્યૂઝિક રાઈટ્સ અગાઉ વેચાઈ ચૂક્યા હતા અને તેની પેકેજ ડીલમાં પ્રોડ્યુસર્સને 20 કરોડનો પ્રોફિટ મળ્યાનો અંદાજ છે. અક્ષય કુમારની બચ્ચન પાંડેની જેમ આ ફિલ્મ પણ થીયેટરમાં ખાસ કમાલ કરી શકે તેમ ન હતી.
પ્રોડ્યુસર્સને આ બાબતે અણસાર આવી ગયો હોવાના કારણે થીયેટર રિલિઝનો નિર્ણય પડતો મૂકાયાની શક્યતા છે. અક્ષયની ફી તથા અન્ય બજેટ સાથે ફિલ્મ માટે એકંદરે 175 કરોડનો ખર્ચ થયો હતો. પ્રોડ્યુસર્સે અગાઉ બેલબોટમમાં ખોટ ભોગવી હતી અને તેથી તેઓ અક્ષયની બીજી ફિલ્મમાં જોખમ લેવા તૈયાર ન હતા. ઓરિજિનલ તમિલ ફિલ્મ રત્નાસનમાં વિષ્ણુ વિશાલ, અમલા પોલ અને સરવનન મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મમાં સાયકો કિલરની સ્ટોરી છે, જે યુવતીઓની હત્યા કરતો રહે છે, પરંતુ પોલીસના હાથમાં આવતો નથી.