ફોટો સૌજન્ય Tristan Fewings/Pool via REUTERS

વડા પ્રધાન ઋષિ સુનક ટોરી કોન્ફરન્સમાં મુખ્ય નીતિઓ પર ભાષણ આપવા ગયા ત્યારે સુનકને તેમના “શ્રેષ્ઠ મિત્ર”, તેમની પત્ની અક્ષતા મૂર્તિ તરફથી આશ્ચર્યજનક ટેકો મળ્યો હતો. સુનકે કદી ધાર્યું ન હતું કે તેમના શરમાળ પત્ની તેમના માટે આવું બોલશે અને તે પણ ટોરી કોન્ફરન્સમાં. જેના પર આખા યુકેની નજર છે.

મીડિયા સામે ઓછી વાત કરતા શરમાળ અક્ષતા મૂર્તિએ સ્ટેજ પર જઇને જણાવ્યું હતું કે “હું અહીં એટલા માટે છું કારણ કે ઋષિ અને હું એકબીજાના શ્રેષ્ઠ મિત્રો છીએ. અમે એક ટીમ છીએ. આજે હું બીજે ક્યાંય હોવાની કલ્પના કરી શકતી નથી. ખાસ કરીને તમારા બધા સાથે તેમને અને પાર્ટીને મારો ટેકો બતાવવા માટે હું હાજર છું.”

10 ડાઉનિંગ સ્ટ્રીટમાં રહી ગયેલા અત્યાર સુધીના સૌથી ધનિક અક્ષતાએ પોતાના હળવા અને અંગત ભાષણમાં  દાવો કર્યો હતો કે ‘’મારા પતિ “ગેટ-ક્રેશિંગ” વિશે અજાણ હતા અને મારા નિર્ણયથી પુત્રીઓ, કૃષ્ણા અને અનુષ્કાને પણ આશ્ચર્ય થયું હતું. અમે બંને અમેરિકામાં અભ્યાસ દરમિયાન મળ્યા ત્યારે તેમના ઘર, યુકે પ્રત્યેના ઊંડા પ્રેમ અને શક્ય તેટલા વધુ લોકોને તકો મળે તે સુનિશ્ચિત કરવાની તેમની નિષ્ઠાવાન ઈચ્છા બાબતે હું પ્રભાવિત થઇ હતી. ઋષિ સાથે રહેવું એ મારા જીવનનો સૌથી સહેલો નિર્ણય હતો. મારા પતિને સમાવતો એક જ શબ્દ છે “આકાંક્ષા”, જે તેમને યુકે માટે વધુ સારા ભવિષ્ય માટે કામ કરવા પ્રેરિત કરે છે.’’

એક સાચી ભારતીય નારીની ભૂમિકા અદા કરતાં અક્ષતાએ જણાવ્યું હતું કે “ક્યારેક જ્યારે આગળ વધવું મુશ્કેલ બને છે, ત્યારે હું ઋષિને યાદ કરાવું છું કે તે તેના અને આ પક્ષના મૂલ્યો માટે તે લડી રહ્યો છે. તેની પાસે જીવન માટેનો અવિશ્વસનીય ઉત્સાહ, ચારિત્ર્યની શક્તિ, પ્રામાણિકતા અને સાચા-ખોટાની દ્રઢ સમજણ છે મને સૌથી વધુ આકર્ષિત કરે છે. જેના કારણે લગ્નના 14 વર્ષ પછી પણ હું આજે તેમના તરફ ખેંચાઈ રહી છું. ઋષિ, તમે જાણો છો કે લાંબા ગાળા માટે યોગ્ય કાર્ય કરવું એ મુશ્કેલ હોય છે.” ભાષણના અંતે સતત તાળીઓના ગડગડાટ વચ્ચે દેખીતી રીતે સ્ટેજની પાછળ ખસેડાયેલા સુનક સ્ટેજ પર આવતા તેઓ અચંબિત હતા.

LEAVE A REPLY