મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં આવેલા ઉછાળાને પગલે સરકારને કેટલાક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી છે. મહારાષ્ટ્રમાં નાગપુર બાદ અકોલામાં પણ લોકડાઉન લાગુ કરવાનો શુક્રવારે નિર્ણય લેવાયો હતો. અકોલામાં 15 માર્ચ સુધી લોકડાઉન લાગુ રહેશે. પુણેમાં પણ નાઈટ કર્ફ્યૂની સરકારે જાહેરાત કરી હતી. વધુ કેટલાંક વિસ્તારોમાં આકરા નિયંત્રણોની રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે ચેતવણી આપી હતી.
અકોલામાં શુક્રવારે રાત્રીના 8 વાગ્યાથી સોમવારના સવારના 8 વાગ્યા સુધી લોકડાઉન રહેશે. પુણેમાં રાત્રીના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લાગુ કરાયો છે. કોરોના વાયરસના કેસોમાં આવેલા ઉછાળાને પગલે સરકારે આકરા નિયમો લાદ્યા છે. કોરોનાના કેસોનો પ્રકોપ વધતા નાગપુરમાં પણ લોકડાઉન લાગુ કરાયું છે. નાગપુરમાં એક સપ્તાહના કરફ્યુ અને લોકડાઉનનો અમલ કરવા માટે આશરે 3,000 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.
કોવિડ19ના કેસોમાં વધારાને પગલે મહારાષ્ટ્રના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ લોકડાઉન લાગુ કરવાની ચર્ચા ચાલી રહી છે. નાગપુરમાં 15 માર્ચથી 21 માર્ચ સુધી લોકડાઉન રહેશે અને ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ જ ઉપલબ્ધ થશે. થાણેમાં 16 હોટસ્પોટમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પણ ચેતવણી આપી હતી કે જો કોરોનાના કેસો વધવાનું બંધ નહીં થાય તો કેટલાક સ્થળે લોકડાઉન લાગુ થઈ શકે છે. નાગપુર પછી પુણે, મુંબઈ અને થાણે જેવા ગીચ વિસ્તારોમાં લોકડાઉન લાગુ થવાની સંભાવના છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની શુક્રવારની માહિતી મુજબ છેલ્લાં 24 કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના નવા 23,285 કેસ નોંધાયા હતા, જે 24 ડિસેમ્બરે પછી સૌથી વધુ છે. આ સમયગાળામાં વધુ 117 વ્યક્તિના મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 158,306 થયો હતો. મહારાષ્ટ્રમાં કોરોનાના આશરે 2.27 મિલિયન કેસ નોંધાયા છે, જે તમામ રાજ્યોમાં સૌથી વધુ છે.