બર્મિંગહામ અને વોરિકશાયર વચ્ચે હેરોઈન અને કોકેઈનનો સપ્લાય કરનાર એસ્ટનના જાર્ડિન રોડ પર રહેતા ડ્રગ ડીલર 29 વર્ષીય આકિબ અલી જેલમાંથી છૂટ્યાના એક વર્ષ પછી પાછો જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે.
વ્યાપારી ધોરણે ક્લાસ એ ડ્રગ્સ સપ્લાય કરનાર આકિબના ફોનના આધારે પોલીસને જાણવા મળ્યું હતું કે તેણે ગેરકાયદેસર વેપાર દ્વારા એક રાતમાં જ £2,800ની કમાણી કરી હતી. અધિકારીઓએ ઓગસ્ટમાં બર્મિંગહામના એસ્ટન અને એર્ડિંગ્ટન વિસ્તારની અલી સાથે જોડાયેલી મિલકતો પર દરોડા પાડ્યા હતા. જેમાં £20,000 રોકડા, ડ્રગ્સ, ફોન મળી આવ્યા હતા. તેની કારમાંથી કોકેઈન અને હેરોઈનનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
ખોટા નામે નોંધાયેલ તેના મોબાઈલ ફોનના સંદેશાના આધારે તે કાઉન્ટી લાઈન્સ ડ્રગ્સ નેટવર્ક ચલાવી રહ્યો હોવાનું જણાયું હતું. અલી ડ્રગ્સના ગુનાના આરોપસર ડિસેમ્બર 2020માં જ જેલમાંથી મુક્ત થયો હતો. અલીએ ક્લાસ એ ડ્રગ્સ સપ્લાય કરવાના ઈરાદા સાથે ડ્રગ્સ રાખી હોવાનો દોષ કબૂલ્યો હતો અને 23 ડિસેમ્બરે બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં તેને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.