લેસ્ટરના આઠ વર્ષના બાળક અખિલ અકેલાએ લોકડાઉન દરમિયાન કોડિંગ કઇ રીતે કરવું તે શિખીને હવે તે પાઠનો ઉપયોગ એપ્સ વિકસાવવા માટે કર્યો છે. અખિલને આમ કરવા તેની શાળાએ પણ માન્યતા આપી છે.
અખિલે ક્લાસરૂમમાં ભણાવાયેલ લેસન્સમાંથી આઇડીયા લઇને ઘરે શૈક્ષણિક સોફ્ટવેર બનાવ્યું છે. ગયા વર્ષે લોકડાઉન દરમિયાન કોમ્પ્યુટર કોડિંગ શીખવામાં સમય વિતાવનાર અખિલને તેની મહેનતનું ફળ મળ્યુ છે. લેસ્ટરના નારબરોની ગ્રેસ્ટોક પ્રાથમિક શાળાના યર 3ના વિદ્યાર્થીને તેની શાળાના ટ્રસ્ટ તરફથી એવોર્ડ એનાયત કરાયો છે.
કોડિંગ એ શબ્દો અને સંખ્યાઓથી બનેલી કમ્પ્યુટરની એક ભાષા અથવા સૂચના છે, જે તમે લખેલા કોડ દ્વારા તમે શું કરવા માંગો છો તેની કોમ્પ્યુટરને સૂચના આપે છે. અખિલે ગયા વર્ષે વીડિયો જોઈને કોડિંગ શીખવાનું શરૂ કર્યું હતું.
અખિલે જણાવ્યું હતું કે “હું છેલ્લા લોકડાઉન દરમિયાન ખૂબ જ કંટાળી ગયો હતો અને તેથી મેં કોડિંગ શિખવાનું શરૂ કર્યું હતું. હું માર્ગ અકસ્માત વગરની દુનિયાનું સ્વપ્ન જોઉં છું.”
લોકડાઉન પછી જ્યારે તે શાળામાં પાછો ફર્યો ત્યારે તેણે જે વિષયો શીખી રહ્યો હતો તેના પર એપ્લિકેશન્સ વિકસાવવાનું શરૂ કર્યું હતું. જેને તેના મિત્રો અને શિક્ષકો સાથે શેર કર્યું હતું. ક્રેશની માત્રા ઘટાડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને સ્માર્ટ કારની શોધ કરવાનું તેનું લક્ષ્ય છે.
તેના પિતા, એક આઇટી એન્જિનિયર છે અને અખિલે મોટરવે પર એક અકસ્માત જોયા પછી અકસ્માતો ઘટાડવા પ્રેરિત થયો હતો. અખિલનું સ્વપ્ન એવી કંપની બનાવવાનું છે જે તમામ પ્રકારના સ્માર્ટ ઉપકરણો અને સાધનો વિકસાવીને એક સ્માર્ટ હાઉસ, સ્માર્ટ ફ્રિજ, સ્માર્ટ ઘડિયાળો બધું જ સ્માર્ટ બનાવવાનું છે. જેમાં તમારે જાતે ખોરાક રાંધવાની જરૂર નહિં પડે કે લાઇટ ચાલુ કરવી અથવા ઘરનો દરવાજો ખોલવા તમારે ફક્ત આંખના સ્કેનરનો ઉપયોગ કરવાનો રહેશે.