પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ મેળાનું અધિકૃત સમાપન 26 ફેબ્રુઆરીએ થશે. પરંતુ તે અગાઉ કુંભને આગવી ઓળખ આપનારા 13 અખાડાઓ વિદાય લઈ રહ્યા છે. પ્રસ્થાનના સંકેત સ્વરૂપે સૌ પ્રથમ તેમણે પોતાની ધજાઓ નીચી કરી દીધી છે. વસંત પંચમીના રોજ છેલ્લા અમૃત સ્નાન પછી અખાડાઓએ પરંપરાગત કઢી પકોડાના ભોજન સાથે મહાકુંભ નગરીમાંથી નીકળવાની તૈયારી કરી લીધી હતી. 13 અલગ-અલગ અખાડામાં શિવ ઉપાસક સન્યાસી, રામ-કૃષ્ણને સમર્પિત બૈરાગી અને પંચદેવના સાધક ઉદાસીનનો સમાવેશ થાય છે. સૌપ્રથમ બૈરાગી પંથના પંચ નિર્વાણી અખાડામાંથી 150 જેટલા સંતો રવાના થયા હતા. અયોધ્યાના હનુમાનગઢી સાથે સંકળાયેલા પંચ નિર્વાણી અખાડાના મહંત રાજુદાસે કહ્યું હતું કે, પરંપરાગત ઉજવણી સાથે ઠાકુરજીને ખસેડ્યા પછી ધર્મ ધ્વજા નીચી કરાશે. જૂના અખાડાના નાગા સાધુઓ 7 ફેબ્રુઆરીથી પ્રસ્થાન કર્યું હતું. જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા મહંત નારાયણ ગિરિએ જણાવ્યું હતું કે, તેમના અખાડા દ્વારા 7મીએ કઢી પકોડાની મિજબાની કરવામાં આવી હતી અને પછી સંતો દ્વારા ધર્મ ધ્વજા નીચી કરીને પ્રસ્થાન કરાયું હતું. તેઓ ત્યાંથી કાશી જશે અને મહાશિવરાત્રિ સુધી રોકાશે. કાશી વિશ્વનાથના સાનિધ્યમાં ‘મસાને કી હોલી’ ઉજવશે, પવિત્ર ગંગા નદીમાં ડૂબકી મારશે અને ત્યાર બાદ પોતાના મઠ-આશ્રમમાં જશે.
આવાહન અને પંચ અગ્નિ અખાડાના સાધુ-સંતો પણ આ પ્રક્રિયા કરશે અને જ્યાંથી આવ્યા હતા તે સ્થળે એટલે કે કાશ્મીર જશે. બૈરાગી અખાડાના કેટલાક સંતો અયોધ્યા અને વૃંદાવન પણ જશે. ઉદાસીન અને નિર્મલ અખાડાના સભ્યો પંજાબના આનંદપુર સાહિબ તરફ ગતિ કરશે. મહંત નારાયણ ગિરિએ જણાવ્યું હતું કે, વસંત પંચમી પછી માઘી પૂર્ણિમા અને મહાશિવરાત્રિએ સંગમ સ્થળે ડૂબકી મારવામાં સામાન્ય શ્રદ્ધાળુઓને પ્રાથમિકતા હોય છે. તેથી આ દિવસો સુધી અખાડાના સાધુ-સંતો રોકાતા નથી.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)