ભારતની તાજેતરમાં નવી શરૂ થયેલી બજેટ કેરિયર અકાશા એરના 43 પાયલટ્સે એકસાથે રાજીનામું આપી દેતા આ એરલાઇન મુશ્કેલીમાં મૂકાઇ હતી અને તેના પર શટડાઉનનું જોખમ ઊભું થયું હતું. રાજીનામાના દોર વચ્ચે ફ્લાઇટ્સ ઘટાડવાની ફરજ પડી હતી. જોકે શટડાઉનના રીપોર્ટને ફગાવી દેતા કંપનીએ જણાવ્યું હતું કે છેલ્લાં 30 દિવસમાં કંપનીએ તેની ફ્લાઇટ્સમાં ઘટાડો કર્યો છે.
પાયલટ્સના અચાનક રાજીનામાથી કંપનીને છેલ્લા કેટલાક મહિનામાં સેંકડો ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી. અહેવાલ મુજબ જો રાજીનામાનો સિલસિલો ચાલુ રહેશે તો તે સપ્ટેમ્બરમાં જ 600 અથવા 700 જેટલી ફ્લાઇટ્સ રદ કરી શકે છે.
કંપની સીઈઓ વિનય દુબેએ મંગળવારે મોડી રાત્રે કર્મચારીઓને એક ઈમેલમાં જણાવ્યું હતું કે એરલાઈન્સ સ્થિર કામગીરી સુનિશ્ચિત કરવા ટૂંકા ગાળામાં બજાર હિસ્સો છોડી દેશે.
કંપનીએ જણાવ્યું હતું કે તેને પાયલટ્સ સામે કાનૂની કાર્યવાહી કરી છે જેઓ તેમની નોટિસ પીરિયડ પૂરી કર્યા વિના ચાલ્યા ગયા હતા. દુબેએ એક મેઇલમાં જણાવ્યું હતું કે પાયલટનું એક ગ્રૂપ તેમની ફરજો છોડી દીધી છે અને તેમની નોટિસનો સમયગાળો પૂરો કર્યો નથી. આ પદો માટે ક્રમશ: 6 મહિનાથી લઈને એક વર્ષનું નોટિસ પીરિયડ હોય છે. પાયલટ્સ અચાનક જતા રહેવાથી એરલાઈન્સે સપ્ટેમ્બરમાં દરરોજ 24 ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી હતી અને તેના લીધે કંપનીને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. અકાશા એર જુદા જુદા એર રુટ્સ પર દરરોજ 120 ફ્લાઈટ્સનું સંચાલન કરે છે.