રાણીના રાજ્યારોહણની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી થઇ રહી છે ત્યારે એવિંગ્ટન, લેસ્ટરમાં રહેતા 86 વર્ષના અજમેર સિંહ અને 84 વર્ષના સુરિન્દર કૌરે પોતાના લગ્નના 70મી વર્ષગાંઠની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી લેસ્ટરના ઈસ્ટ પાર્ક રોડ સ્થિત શીખ ગુરૂદ્વારામાં મિત્રો અને પરિવારજનો સાથે કરી હતી.
અજમેર સિંહ અને સુરિન્દર કૌર કહે છે કે ‘’પ્રેમ, સમર્થન, નિષ્ઠા અને સમર્પણ અમારા લાંબા લગ્નની ચાવી છે. અમારી સંસ્કૃતિમાં ક્યારેય માતા-પિતા અથવા તેમણે લીધેલા નિર્ણયો પર સવાલ ઉઠાવતા નથી. અમે લગ્ન કરીને વધુ ખુશ હતા. અમે જાણતા હતા કે અમારા માતા-પિતા અને સંસ્કૃતિ અમારી પાસેથી એવી અપેક્ષા રાખે છે.”
16 અને 14 વર્ષની નાની ઉંમરે પરણેલા અજમેર સિંહ અને સુરિન્દર કૌરને કલ્પના નહોતી કે તેમનો પ્રેમ 70 વર્ષ વટાવી જશે. દંપતીને મહારાણી અને લેસ્ટરના લોર્ડ મેયર, કાઉન્સિલર જ્યોર્જ કોલ તરફથી અભિનંદનનું કાર્ડ પ્રાપ્ત થયું હતું.
અજમેર સિંહે શીખ હોવા છતાં સુરિન્દર હિંદુ ગામમાંથી આવી હોવાથી લગ્નને મજબૂત કરવા માટે પરંપરાગત હિન્દુ વિધિથી લગ્ન કર્યા હતા. તે પછી તેણે પણ શીખ ધર્મ અપનાવ્યો હતો. તેમના એરેન્જ્ડ મેરેજ હતા.
કૉલેજ પૂર્ણ કર્યા પછી, અજમેર સિંહ ભારતીય સેનામાં જોડાયા હતા. 1962માં તેઓ યુકે આવી એવિંગ્ટનમાં જ્હોન બુલ રબર કંપનીમાં જોડાયા હતા અને તેમની પત્ની અને ચાર બાળકો વિના લેસ્ટર ગયા હતા. 1964માં, તેમની પત્ની અને બાળકો તેમની સાથે જોડાયા હતા જ્યાં તેમને વધુ બે બાળકો થયા હતા.
મુશ્કેલીઓ હોવા છતાં, દંપતીએ પોતાના લગ્ન ટકાવ્યા હતા જેમાં બાળકો અને નજીકના કુટુંબીજનોનો પણ ફાળો હતો. આજે તેમને 15 પૌત્રો અને આઠ પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ છે.
સુરિન્દરે 25 વર્ષ સુધી વોકર્સ ક્રિસ્પ્સ માટે કામ કર્યું હતું અને ઘણી વખત ડબલ શિફ્ટ કરી હતી. તેમણે અમેરિકા, નોર્વે, ફ્રાન્સ અને ઇટાલી જેવા દેશોની સજોડે યાત્રા પણ કરી છે.
અજમેર સિંહે 1967માં લેસ્ટરના સેન્ટ નિકોલસ સ્ક્વેર નજીક હોલી બોન્સમાં આવેલા સૌથી જૂના શીખ મંદિર, ગુરુ નાનક ગુરુદ્વારાના પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેઓ 1976માં ઈસ્ટ પાર્ક રોડ પર સ્થિત ગુરુ તેગ બહાદુર ગુરુદ્વારાના સ્થાપકોમાંના એક હતા.
તેમની પ્લેટીનમ જ્યુબિલીની ઉજવણીમાં લગભગ 75 લોકો હાજર રહ્યા હતા. જ્યાં તેમણે કેક કાપી એકબીજાને ફૂલમાળા પહેરાવી લંગરનો લાભ લીધો હતો. મિત્રો અને પરિવારજનોએ તે દિવસે ગુરૂદ્વારામાં દાન આપ્યું હતું. દંપતીની એકમાત્ર પુત્રી બલબીર પરમાર અને તેના પરિવારે ડિફિબ્રિલેટર માટે દાન આપ્યું હતું.