ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલની 30 જાન્યુઆરીથી પહેલી ફેબ્રુઆરી સુધીની અમેરિકા યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે ચર્ચાઓના માધ્યમથી અત્યાધુનિક ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સહયોગને ગતિ આપવાનો આધાર તૈયાર કર્યો છે. તે હકીકતમાં એક વ્યાપક તથા વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીની પરિપક્તવા દર્શાવે છે, એમ વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું.
ભારતીય દૂતાવાસના નિવેદનમાં કહેવાયું હતું કે, આ યાત્રા દરમિયાન થયેલી ચર્ચાઓ અત્યાધુનિક ક્ષેત્રોમાં ભારતીય પ્રતિનિધિમંડળની સાથે ‘ઈનીશિએટિવ ફોર ક્રિટિકલ એન્ડ ઈમર્જિંગ ટેકનોલોજી’ની પ્રથમ ઉચ્ચસ્તરીય બેઠક હતી. આ ઉપરાંત, અજીત ડોવાલે અમેરિકાના કેટલાક ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ યાત્રા દરમિયાન, બંને દેશોના અરસપરસના હિતો, ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દા પર સરકાર, કોંગ્રેસ, ઉદ્યોગ, એકેડેમિક, રિસર્ચથી સંલગ્ન અમેરિકાની નીતિ ઘડનારાઓ અને હિતધારકો સાથે બેઠક યોજી હતી.
ડોવાલે અમેરિકાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ જનરલ માર્ક મિલી, અમેરિકાના નાયબ સંરક્ષણપ્રધાન ડો.કેથલીન હિક્સ, સિનિયર સાંસદો અને ઉદ્યોગજગતના કેટલાક દિગ્ગજો સાથે મુલાકાત કરી હતી. અજીત ડોવાલ સાથેની બેઠક દરમિયાન અમેરિકા તરફથી કાયદાકીય પરિવર્તનોના પ્રયાસો સહિત કેટલાક મહત્વના ક્ષેત્રોમાં ભારત માટે નિકાસ અવરોધોને ઓછા કરવાનો ભરોસો આપવામાં આવ્યો. ભારતના પ્રતિનિધિમંડળમાં અજીત ડોવાલની સાથે અમેરિકામાં ભારતના રાજદૂત, ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર, ઇસરોના ચેરમેન, દૂરસંચાર વિભાગમાં સચિવ, સંરક્ષણમંત્રીના સલાહકાર, ડીઆરડીઓના ડાયરેક્ટર જનરલ સામેલ હતા.