કોરોના વાઇરસ મહામારીને કારણે અનેક ક્ષેત્રમાં લોકો આર્થિક રીતે પાયમાલ થઇ ગયા છે. પરંતુ બોલીવૂડની કેટલીક સેલીબ્રિટિઝને આ વાત લાગુ પડતું નથી. ઘણા ફિલ્મકારોએ આ કોરોનાકાળમાં વૈભવી ઘર ખરીદ્યા છે. થોડા સમય પહેલા અર્જુન કપૂર, અમિતાભ બચ્ચન, આલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર, રિતિક રોશને બંગલા ખરીદ્યા હતા. હવે તેમાં અજય દેવગણનું નામ પણ જોડાયું છે.
અજય દેવગણે મુંબઇના વિલેપાર્લા વિસ્તારમાં કપોળ કો-ઓપરેટિવ સોસાયટીમાં ગત વર્ષના અંતમાં એક મોટો બંગલો ખરીદ્યો છે, જેની કિંમત ‘ફક્ત’ રૂ. ૬૦ કરોડ જ છે. આ બંગલો તેના જુના બંગલાની ઘણી નજીક છે. આ નવું ઘર ૫૩૧૦ સ્કેવર ફૂટમાં ફેલાયેલું છે. આ બંગલો તેની માતા વીણા દેવગણ અને અજયના અસલી નામ વિશાલ દેવગણના નામે છે, જેની નોંધણી ૭ મેના રોજ કરવામાં આવી હતી. આ બંગલો પહેલા સ્વ. પુષ્પા વાલિયાના નામે હતો. સૂત્રોના જણાવ્યા મુજબ આ બંગલાની મૂળ કિંમત રૂ. ૬૫થી ૭૦ કરોડ હોવી જોઇએ. પરંતુ કોરોના મહામારીને કારણે અજયને આ બંગલો ઓછી કિંમતે મળી ગયો છે. અજય દેવગણ હવે રિતિક રોશન, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને અક્ષય કુમારનો પડોશી બની ગયો છે. અજયે બંગલામાં રિનોવેશન પણ કરાવી રહ્યો છે.