Ajay Devgan thought of quitting acting
(ANI Photo)

ત્રણ દાયકાની કારકિર્દી પછી અજય દેવગણે આજે પણ ટોચના અભિનેતાઓમાં સ્થાન મેળવ્યું છે. 1990ના દાયકામાં અજય દેવગણ પાસે છ-છ ફિલ્મો હાથ પર રહેતી હતી. આમ છતાં, તેણે અભિનય છોડવાની ઈચ્છા થતી હતી. ફિલ્મોના શૂટિંગ સતત ચાલુ રહેતા હોવાથી ફેમિલી સાથે વેકેશન માણવા માંડ બે દિવસ મળતા હતા અને એક તબક્કો એવો આવ્યો જ્યારે ફિલ્મો પ્રત્યેનો અજય દેવગણનો પ્રેમ ઓછો થઈ ગયો અને એક્ટિંગ પ્રત્યે અણગમો આવી રહ્યો હતો.

તાજેતરમાં અજય દેવગણે એક એવોર્ડ ફંક્શન દરમિયાન જણાવ્યું હતું કે, તેમનો સ્વભાવ વર્કોહોલિક છે અને બે દિવસના ફેમિલી વેકેશન પછી કામ પર પાછા જવાનું ગમતુ હતું. એક સાથે 14-15 ફિલ્મો હાથ પર હોય તેવું બનતું હતું. સવારે સાત વાગ્યે શૂટિંગ માટે નીકળ્યા હોઈએ અને રાત્રે 12 વાગ્યા સુધી સેટ પર રહેવું પડે તેવા દિવસો પણ જોયા છે. એક સેટ પરના જીન્સ-શર્ટ પહેરીને બીજા સેટ પર પહોંચી ગયા હોવાના કિસ્સા પણ ઘણા છે. માત્ર જેકેટ કે શર્ટ બદલીને ચાર-પાંચ કલાક શૂટિંગ કર્યુ હતું. સેટ પર પહોંચ્યા પછી ક્યારેક ભૂલી જવાતું હતું કે કયું પાત્ર ભજવવાનું છે. બીજા દિવસે સવારે શૂટિંગ પૂરું થયું હોય તેવું પણ ક્યારેક બનતું હતું.

અજયે જણાવ્યું હતું કે, અંતે એક તબક્કો એવો આવ્યો હતો, જ્યારે કામ બંધ કરવાની ઈચ્છા હતી. આ સમયે ગિલ્ડ દ્વારા નિયમ લાગુ કરાયો કે, કોઈ એક્ટર એક સાથે 12થી વધુ ફિલ્મ કરી શકે નહીં. ધીમે-ધીમે ઓછી ફિલ્મો સ્વીકારવાનું શરૂ કર્યું અને એક વર્ષમાં બે-ત્રણ ફિલ્મોમાં જ કામ કરવાનો નિર્ણય લીધો હતો.

LEAVE A REPLY