(ANI Photo)
ગત 2023નું વર્ષ શાહરૂખ ખાન માટે ખૂબ જ ભાગ્યશાળી રહ્યું હતું. હવે અજય દેવગણ 2024માં પોતાનો દબદબો જાળવવા આયોજન કરે છે. આ વર્ષે અજય દેવગણની પાંચ ફિલ્મો રિલીઝ થવાની છે, જેમાંથી બે ફિલ્મ શૈતાન અને મૈદાન રિલીઝ થઈ ચૂકી છે.
આ બે ફિલ્મ રિલીઝ થતાં પહેલાં અજયે અન્ય બે ફિલ્મ સિંઘમ અગેઈન અને રેઈડ 2નું શૂટિંગ શરૂ કર્યું હતું. સિંઘમ અગેઈનનું શૂટિંગ લંબાયું છે, જ્યારે રેઈડ 2નું શૂટિંગ તાજેતરમાં પૂર્ણ થયું છે. આ સાથે જ અજય દેવગણે નવી ફિલ્મ દે દે પ્યાર દેનું શૂટિંગ શરૂ કર્યું છે. સામાન્ય રીતે વર્ષમાં પાંચ-સાત ફિલ્મો રિલીઝ કરવાનો રેકોર્ડ અક્ષયકુમારના નામે છે. દર દોઢ-બે મહિને અક્ષય કુમારની એકાદ ફિલ્મ આવતી હતી અને દરેક ફિલ્મ ચાલતી હતી.
જોકે, છેલ્લા ત્રણેક વર્ષથી અક્ષયની ફિલ્મો ફ્લોપ જઈ રહી છે. હવે, અજયે પણ અક્ષયની જેમ વર્ષમાં પાંચ ફિલ્મો રિલીઝ કરવાનું મન બનાવ્યું છે. તેની શૈતાનને બોક્સઓફિસ પર સારો રીસ્પોન્સ મળ્યો હતો, જ્યારે ‘મૈદાન’ ખાસ પસંદ આવી ન હતી. જોકે એકાદ ફિલ્મની નિષ્ફળતાથી વિચલિત થવાના બદલે અજયે ફિલ્મો સિંઘમ અગેઈન અને રેઈડ 2 પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
તાજેતરમાં રેઈડ 2નું શૂટિંગ પૂર્ણ થતાની સાથે અજય દેવગને રકુલ પ્રીત સિંહ સાથેની આગામી ફિલ્મ દે દે પ્યાર દેના શૂટિંગની શરૂઆત કરી છે. ફિલ્મના મુહૂર્તમાં અનિલ કપૂર ખાસ હાજર રહ્યા હતા.
અજય દેવગનની આ વર્ષની સૌથી મોટી ફિલ્મ સિંઘમ અગેઈન છે. તેને અગાઉ 15 ઓગસ્ટે રિલીઝ કરવાની હતી. આ જ દિવસે અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ પણ રિલીઝ થવાની છે. પુષ્પાના કિસ્સામાં બોલીવૂડને ‘ઝુકેગા નહીં…’વાળો ડાયલોગ યાદ રહી ગયો છે અને તેથી બોલીવૂડની કોઈ ફિલ્મ પુષ્પા સામે ટક્કર લેવા તૈયાર નથી. રોહિત શેટ્ટીએ પણ પોતાની રિલીઝ ડેટને વળગી રહેવાના બદલે તેમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. ‘સિંઘમ અગેઈન’નું શૂટિંગ પૂરું ન થયું હોવાથી તેને દિવાળી પર રિલીઝ કરવામાં આવે તેવી શક્યતા છે.

LEAVE A REPLY