આ ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન’, કાવેરીના પુત્ર કહેવાતા મહાપ્રતાપી ચૌલ રાજા અરુલમોરી વર્મનના સમ્રાટ બનવાની વાર્તા પર આધારિત છે. પોન્નિયીન સેલ્વને જ રાજેન્દ્ર પ્રથમ નામે ચૌલ સામ્રાજ્ય પર શાસન કર્યું હતું, તેઓ રાજરાજ ચૌલના નામે નામે જાણીતા થયા હતા. આ ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મો પૈકીની એક છે ‘પોન્નિયિન સેલ્વન’. રૂ. 500 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ 1995માં જાણીતા લેખક કલ્કિ કૃષ્ણમૂર્તિના આ જ નામથી લખવામાં આવેલા ઉપન્યાસ પોન્નિયીન સેલ્વન પર આધારિત છે.
આ ફિલ્મના પ્રથમ ભાગમાં દર્શાવવામાં આવ્યું હતું કે, બીમાર થયેલા ચૌલ સમ્રાટ સુંદર ચૌલ (પ્રકાશ રાજ)નો નાનો પુત્ર અરુલમોરી વર્મન (જયમ રવિ) સિંહલ દ્વીપ (શ્રીલંકા)માં યુદ્ધ દરમિયાન સમુદ્રમાં ગુમ થયો છે. ચૌલ સમ્રાટનો મોટો પુત્ર આદિત્ય કરિકલન (ચિયાન વિક્રમ) પોતાના ભાઈના મોત માટે જૂની પ્રેમિકા નંદિની (ઐશ્વર્યા રાય બચ્ચન)ને જવાબદાર માને છે. નંદિની હાલ ચૌલ સેનાપતિ પર્વતેશ્વરની પત્ની બનીને છળથી સામ્રાજ્યના મૂળિયા નષ્ટ કરવા ઇચ્છે છે.
ચૌલ સમ્રાટની પુત્રી રાજકુમારી કુંદવઈ (તૃષા કૃષ્ણન) પોતાના પ્રેમી અને આદિત્યના મિત્ર વંધ્યવન (કાર્તિ) સાથે મળીને આ ષડયંત્રોને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરે છે. પોન્નિયીન સેલ્વનના મૃત્યુના સમાચાર સાંભળીને ચૌલ સામ્રાજ્યની ગાદી પર કબ્જો મેળવવા માટે આદિત્ય અને તેના કાકા મદુરાંતકન વચ્ચે હરિફાઇ જામે છે.આ દરમિયાન ફિલ્મમાં સામ્રાજ્ય સાથે જોડાયેલા કેટલાય રહસ્યો અને ષડયંત્ર સામે આવે છે. અંતે ચૌલ સામ્રાજ્યની ગાદી પર કોણ બિરાજે છે? તે જાણવા માટે આ ફિલ્મ જોવી રહી.
મણિરત્નમે ફિલ્મના બીજા ભાગને અગાઉ કરતાં વધારે ભવ્ય બનાવવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મના બીજા ભાગની વાર્તા દર્શકોને વધુ ઉત્સુક કરે છે. લગભગ પોણા ત્રણ કલાકની ફિલ્મ તમને શરૂઆતથી અંત સુધી જકડી રાખે છે. ઈન્ટરવલ પહેલા ફિલ્મ તમને અગાઉના ભાગના પડકારોથી માહિતગાર કરાવે છે, જ્યારે ઇન્ટરવલ પછી દરેક પાસા ખુલે છે. ફિલ્મના ક્લાઈમેક્સમાં યુદ્ધ અને દરબારના દ્રશ્ય ‘બાહુબલી’ની જેમ ભવ્ય બનાવવાની કોશિશ કરવામાં આવી છે.
જેમને ઐતિહાસિક ફિલ્મો જોવી ગમતી હોય તો તેમણે આ ફિલ્મને મોટા પડદે જોવાની તક ગુમાવવી જોઇએ નહીં. જો ‘પોન્નિયીન સેલ્વન’નો પ્રથમ ભાગ ના જોયો હોય તો સિનેમામાં જતાં અગાઉ ઓટીટી પ્લેટફોર્મ પર તે જોવો જોઇએ.