જવાહરલાલ નહેરુ યુનિ.માં રવિવારે સાંજે થયેલી હિંસાના મુદે દિલ્હી પોલીસે અત્યાર સુધીમાં ચાર એફઆઈઆર નોંધી છે અને તેમાં યુનિ. છાત્ર સંઘના અધ્યક્ષ આઈશી ઘોષનું નામ પણ સામેલ કર્યુ છે અને જેએનયુના 22 છાત્ર નેતાઓને પણ એફઆઈઆરમાં સામેલ કરતા નવો વિવાદ છેડાશે તે નિશ્ચિત છે. શુક્રવાર અને શનિવારે જેએનયુ પરિસરમાં જે હંગામો થયો તેમાં સર્વર રૂમ ઠપ્પ કરનારના નામમાં અને અહી સંપતિને નુકશાન કરવાના મુદે આઈશી ઘોષ અને તેના 22 સાથીદારોને એફઆઈઆરમાં સામેલ કરીને રવિવારની ઘટનાઓ પર પોલીસે હજુ કોઈ એકશન લીધા નથી.
દિલ્હી પોલીસે વિચિત્ર વલણ અપનાવતા જાહેર જનતા પાસેથી રવિવારની ઘટના અંગે કોઈ વિડીયો હોય તો તે મોકલવા માટે જણાવ્યું છે. આમ સમગ્ર વિવાદે એક નવો વણાંક લીધો છે. આ અગાઉના રિપોર્ટ મુજબ પાટનગરની વિખ્યાત જવાહરલાલ નહેરુ યુનિ.માં પોલીસ એકશનમાં વિલંબ થયો હતો તે હવે નિશ્ચિત બન્યું હતું. બુકાનીધારી ગુંડાઓ જયારે યુનિ.ની અંદર ચોકકસ વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવી માર મારી રહ્યા હતા અને તોડફોડ કરી રહ્યા હતા તે સમયે પોલીસ કેમ્પસના ગેઈટ પાસે જ હતી અને તે યુનિ.માં પ્રવેશની રાહ જોતી હતી તેવો બચાવ ખુદ પોલીસે કર્યો છે. એટલું જ નહી જે નકાબધારી આ હિંસા આચરવા આવ્યા હતા. તેઓને પરત સલામત જવા દેવાની પણ તક પોલીસે જ આપી હતી.
અગાઉ જામીયા-મીલીયા સહિતની યુનિ.માં કોઈ પરમીશન વગર યુનિ. કેમ્પસમાં પ્રવેશનાર દિલ્હી પોલીસે અહી જેએનયુમાં બપોરે 4.30 વાગ્યે આ હિંસા અંગે પ્રથમ કોલ મેળવ્યા બાદ છેક સાંજે 7.45 કલાકે કેમ્પસમાં પ્રવેશ કર્યો અને તે પણ લેખીત મંજુરી મળ્યા બાદ જેએનયુના તંત્રએ હિંસા શરુ થઈ તે પોલીસને જાણ કરી હતી પણ પોલીસે જ લગભગ ત્રણ કલાક સુધી નકાબધારી ગુંડાઓને હિંસા આચરવાની છૂટ આપી હતી. ખુદ દિલ્હી પોલીસે તેની ડાયરીમાં નોંધ્યું છે કે તા.3ના બપોરે 4થી5 વચ્ચે 50 જેટલા કોલ જેએનયુ માંથી થયા હતા અને મદદ માંગવામાં આવી હતી. પોલીસ તે બાદ પાંચ વાગ્યે કેમ્પસ પહોંચી પણ કોઈ એકશન લીધા નહી અને લગભગ બે કલાક તમાશો જોયો હતો.
બાદમાં કેમ્પસમાં પ્રવેશી તો હુમલાખોર નાસી છૂટયા હતા. લોહીલુહાણ વિદ્યાર્થીઓ અને તોડફોડના દ્રશ્યો જ જોવા મળ્યા હતા. જામીયામાં અંદર જબરો લાઠીચાર્જ કરનાર પોલીસે અહી એક લાઠી વિઝવાની જરૂર પડી નહી. કારણ કે કોઈ હુમલાખોર હતા જ નહી. જો કે દિલ્હી પોલીસ હજુ બચાવના મુડમાં છે. બીજા દિવસે પોલીસે સીસીટીવીના ફુટેજ મેળવ્યા હતા પણ હજુ એક પણ ધરપકડ થઈ નથી.
