અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં બે સાપ ઘૂસી આવતા ભારે દોડધામ મચી ગઇ હતી. એક ઝેરી કોબ્રા સાપ છેલ્લા ત્રણ દિવસથી ટર્મિનલ એરિયામાં જુદીજુદી જગ્યાએ લટાર મારતો જોવા મળ્યો હતો. આખરે શનિવારે સવારે કોબ્રા પકડાઈ જતા દોડતા થયેલા એરપોર્ટ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. મહત્વનું એ છે કે, હાલ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની મૂવમેન્ટ ઘણી ઓછી હોવાથી જાનહાનિ ટળી હતી.
અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટમાં ત્રણેક દિવસ પહેલાં એર ઇન્ડિયાના કાઉન્ટર પાસેથી કોબ્રાએ દેખા દીધી હતી. જેના કારણે ડરી ગયેલા એક કર્મચારીએ તાત્કાલિક એરપોર્ટ મેનેજરને જાણ કરી હતી. એરપોર્ટ મેનેજર દ્વારા ફરજ પરની સીઆઇએસએફને માહિતગાર કર્યા હતા.પરંતુ તેઓ પહોંચે પહેલા જ સાપ ગાયબ થઈ ગયો હતો અને શોધખોળ કરતા તે મળ્યો ન હતો. બીજા દિવસે ફરીથી ઇમિગ્રેશનના કાઉન્ટર પાસે જોવા મળ્યો હતો પરંતુ તે જગ્યા પરથી સાપ પકડાયો ન હતો. આખરે આજે સવારે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ડીપાર્ચરમાં આવેલી એરલાઇન કંપનીની બેક ઓફિસ પાસે ઇમિગ્રેશનના રેસ્ટ રુમમાં એસી પર સાપ જોવા મળ્યો હતો. એ વખતે સાપના મોઢામાં ઉંદર પણ હતો. જેનાથી એવું અનુમાન લગાવી શકાય કે ટર્મિનલમાં ઉંદરોનો પણ ત્રાસ હોવાથી તેને આરોગવા સાપ આવતા હોય છે. દરમિયાન શુક્રવારે રાત્રે ટર્મિનલ ૧ના વીઆઇપી પાર્કિંગ એરિયામાં પણ બીજો સાપ જોવા મળતાં ફરીથી સાપ પકડવાની ટીમને બોલાવી દોઢ વાગે સાપ પકડાયો હતો