વિશ્વની એરલાઈન્સ માટે તો હાલની કોરોના વાઈરસના રોગચાળાની કટોકટી હળવી થયા પછી પણ આફત લાંબુ ચાલે તેવી સંભાવના છે, લોકો માટેના પ્રવાસ નિયંત્રણો દૂર થયા પછી પણ એરલાઈન્સે સોશિયલ ડિસ્ટેન્સિંગ માટે તેની ફલાઈટ્સમાં ત્રીજા ભાગની સીટ્સ ખાલી રાખવી પડે તેવી શક્યતા છે. આ નિયમોના કારણે, જાણકારોને એવી દહેશત છે કે આ કટોકટીમાંથી સંપૂર્ણપણે બહાર આવતા એરલાઈન્સને તો લગભગ બે વર્ષ જેટલો લાંબો સમય જોઈશે.
ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (આઈએટીએ) માને છે કે, એરલાઈન્સ માટે તેમની કોમર્સિયલ ફલાઈટ્સ રાબેતા મુજબ શરૂ થયા પછી પણ દરેક હરોળમાં વચ્ચેની સીટ ખાલી રાખવાનું ફરજિયાત બનાવાય તેવી શક્યતા છે. તેની વાસ્તવિક અસર એવી થઈ શકે છે કે, વ્યાપક રીતે ટુંકા અંતરની સફર માટે ઉપયોગમાં લેવાતા સીંગલ આઈલ જેટ વિમાનોની ક્ષમતા 180 સીટ્સની હોય છે અને આવા નિયમનો આવે તો તેના પગલે તેની ક્ષમતા ઘટીને 120 સીટ્સની થઈ જાય.
એરપોર્ટ્સ ઓપરેટર્સ એસોસિએશન (એઓએ)ના અંદાજ મુજબ 2022 સુધી તો ફલાઈટ્સમાં પ્રવાસ કરનારા પેસેન્જર્સની સંખ્યા પણ કોરોના રોગચાળા પહેલા હતી તે સ્તરે પાછા પહોંચવાની શક્યતા જણાતી નથી. બ્રિટનમાં એઓએ દ્વારા નાણાં પ્રધાનને લખાયેલા એક પત્રમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે, ટુંક સમયમાં જ એરપોર્ટ્સને તેના સેંકડો કર્મચારીઓને રીડન્ડન્સીની (ફાજલ કરાયાની, જોબ ગુમાવ્યાની) નોટીસીઝ મોકલવી પડશે.
વાઈરસનો ફેલાવો અટકાવવા જાહેર કરાયેલા પ્રવાસ નિયંત્રણોના પગલે બ્રિટિશ એરપોર્ટ્સ ઉપર પેસેન્જર્સની સંખ્યામાં માર્ચ મહિનાના અંતે 97 ટકાનો ઘટાડો નોંધાયો હતો. લંડન સીટી જેવા કેટલાક એરપોર્ટ્સે પેસેન્જર ફલાઈટ્સની અવરજવર સદંતર બંધ કરી દીધી છે, તો યુકેનું સૌથી મોટું અને સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટ – હીથ્રો હાલમાં ફક્ત એક જ રનવે ઉપરથી ફલાઈટ્સનું સંચાલન કરી રહ્યું છે. ગેટવિક એરપોર્ટ દિવસમાં ફક્ત આઠ કલાક જ અવરજવર માટે ખુલ્લું રહે છે.
સમગ્ર દેશમાં વિવિધ એરપોર્ટ્સે સરકારની જોબ રીટેન્સશન સ્કીમનો લાભ લઈ 80 ટકા સુધીના સ્ટાફને ફર્લો ઉપર ઉતારી દીધો છે. એ સ્કીમમાં માસિક 2,500 સુધીનો પગાર ધરાવતા લોકોને આવરી લેવામાં આવેલા છે. જો કે, આ કાર્યક્રમનો લાભ ફક્ત મે મહિનાના અંત સુધી મળશે.
બ્રિટનના નાણાં પ્રધાન ઋષિ સુનાકને લખેલા એક પત્રમાં એઓએ દ્વારા એવી વિનંતી કરાઈ છે કે, જોબ રીટેન્શન સ્કીમની મુદત લંબાવવામાં આવે, કારણ કે એરપોર્ટ્સને એક બિઝનેસ તરીકે ટકાઉ સ્થિતિમાં જાળવી રાખવા માટે તે આવશ્યક છે. યુકેમાં પ્રવાસ ઉપરના નિયંત્રણો મે મહિનાના અંત સુધીમાં હટાવી લેવામાં આવે તો પણ, એરલાઈન્સ અને ઉડ્ડયન ક્ષેત્રને ફરી કાર્યરત થવામાં, પગભર થવામાં અનેક પરિબળો મહત્ત્વના રહેશે, જેમાં ગ્રાહકોમાં ફરી આત્મ વિશ્વાસ જાગે, આંતરરાષ્ટ્રીય પ્રવાસન ઉપરના નિયંત્રણો દૂર થાય તેમજ બધા દેશો વચ્ચે અવરજવરને ફરી મંજુરી મળવાનો સમાવેશ થાય છે અને છેલ્લી બે બાબતોમાં વધારે સમય લાગી શકે છે.
આઈએટીએના જણાવ્યા પ્રમાણે, દુનિયાભરમાં એરલાઈન્સને આ વર્ષે $314 અબજ (£249 અબજ) નું નુકશાન થવાનો અંદાજ છે અને તેમાં પણ યુરોપની એરલાઈન્સને સૌથી વધુ નુકશાન રહેશે.એક અભ્યાસના તારણો મુજબ, એવીએશન ઉદ્યોગ ઉપર આધારિત હોય તેવી નાના નગરો તથા શહેરોની સંખ્યાબંધ જોબ્સને આ રોગચાળાના ગાળામાં સૌથી મોટું જોખમ છે. ધી સેન્ટર ફોર સીટીઝના અંદાજ પ્રમાણે આ ક્ષેત્રે દરેક પાંચમાંથી એક જોબ સામે ખતરો છે. તેના તારણો મુજબ ગેટવિક એરપોર્ટની નજીક આવેલા ક્રોલી વિસ્તારમાં જોબ્સ ગુમાવવાનું સૌથી વધુ જોખમ છે.
આવા સંજોગોમાં, તમામ ક્ષેત્રોની સમસ્યાઓ માટે એક સમાન ઉપાયો સમગ્ર અર્થતંત્રને ફરી પાટે ચડાવવા માટે નહીં ચાલે. એકવાર આરોગ્ય મોરચા ઉપરની આ કટોકટી પસાર થઈ જાય તે પછી નીતિ ઘડનારાઓએ ચોક્કસ શહેરો અને પ્રદેશોની વિશિષ્ટ સમસ્યાઓને ધ્યાનમાં લઈ તેને અનુરૂપ આર્થિક ઈલાજો ઘડવા પડશે. યુકેમાં વિશ્વ કક્ષાની એરલાઈન તેમજ એરોસ્પેસ કંપનીઓ પણ આવેલી છે અને તે ક્ષેત્રોને પણ આ મહામારીના ગાળા અને પછીના સમયમાં ફરી ધબકતા થવા માટે સરકારના સમર્થનની જરૂરત રહેશે.