કોરોનાના કેસોમાં મોટા ઘટાડાને પગલે ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શનિવારે એરલાઈન્સ કંપનીઓ અને મુસાફરોને  મોટી રાહત આપી હતી. હવેથી 85 ટકા મુસાફરોની ક્ષમતા સાથે હવાઈ યાત્રા થઈ શકશે. કોરોનાના કેસમાં આવેલા ઘટાડા બાદ મંત્રાલય દ્વારા આ પ્રકારની છૂટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પહેલા આ ક્ષમતા 72.5 ટકા હતી, જેને વધારીને 85 ટકા કરવામાં આવી છે.

હકીકતે કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને મંત્રાલયે 12 ઓગષ્ટના રોજ આદેશ જાહેર કર્યો હતો. તે અંતર્ગત 72.5 ટકા ક્ષમતા સાથે હવાઈ યાત્રાની મંજૂરી આપવામાં આવી હતી. મંત્રાલયના કહેવા પ્રમાણે નવું સંશોધન આગામી આદેશ સુધી લાગુ રહેશે.

દેશમાં કોરોનાના કેસ ચરમસીમાએ હતા ત્યારે હવાઈ યાત્રા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ મુસાફરોની સંખ્યા તબક્કાવાર વધારવામાં આવી હતી. ગત વર્ષે મંત્રાલયે 33 ટકા ક્ષમતા સાથે ફ્લાઈટ સંચાલનની મંજૂરી આપી હતી. આ વર્ષે એક જૂનથી 5 જુલાઈ સુધી આ ક્ષમતાને 50 ટકા કરવામાં આવી હતી. ત્યાર બાદ 5 જુલાઈથી 12 ઓગષ્ટ સુધી વધારીને 65 ટકા કરવામાં આવી હતી. નવો આદેશ લાગુ થયો તે પહેલા મુસાફરોની ક્ષમતા 72.5 ટકા હતી.