ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ ગુરુવારે કેપ્ટન અને ટ્રેનર્સ સહિત 1,000થી વધુ પાઈલટની ભરતી કરવાની યોજના કરી હતી. વિમાન કાફલા અને નેટવર્કના વિસ્તરણની યોજનાના ભાગરૂપે એરલાઇને આ ગતિવિધિ કરી છે. હાલમાં 1,800થી વધુ પાઇલટ ધરાવતી એર ઇન્ડિયાએ બોઇંગ અને એરબસને 470 વિમાનાનો ઓર્ડર આપ્યો છે, જેમાં વાઇડ-બોડી પ્લેનનો સમાવેશ થાય છે.
એરબસને આપેલા ફર્મ ઓર્ડરમાં 210 A320/321 Neo/XLR અને 40 A350-900/1000નો સમાવેશ થાય છે. બોઇંગને આપેલા ફર્મ ઓર્ડરમાં 190 737-મેક્સ, 20 787 અને 10 777નો સમાવેશ થાય છે. પાઇલટ્સે તેમના પગાર માળખા અને નોકરીની શરતોમાં સુધારો કરવાના એરલાઇનના તાજેતરના નિર્ણય અંગે ચિંતા કર્યા પછી કંપનીએ પાઇલટ ભરતીની યોજના જાહેર કરી છે.
અખબારમાં આપેલી જાહેરખબર અનુસાર એર ઇન્ડિયા 1,000થી વધુ પાઇલાટની ભરતી કરી રહી છે. અમે કેપ્ટન અને પ્રથમ અધિકારીઓ તેમજ ટ્રેનર્સ માટે અમારા A320, B777, B787 અને B737 ફ્લીટમાં બહુવિધ તકો અને ઝડપી વૃદ્ધિ ઓફર કરી રહ્યા છીએ. આશરે 500થી વધુ વિમાનો તેના કાફલામાં જોડાઈ રહ્યાં છે.
17 એપ્રિલના રોજ, એર ઈન્ડિયાએ તેના પાઈલટ્સ અને કેબિન ક્રૂ માટે સુધારેલ વળતર માળખું બહાર પાડ્યું હતું. તેને ઈન્ડિયન કોમર્શિયલ પાઈલટ્સ એસોસિએશન (આઈસીપીએ) અને ઈન્ડિયન પાઈલટ્સ ગિલ્ડ (આઈપીજી) નામંજૂર કર્યું હતું. આ બંને પાયલટ યુનિયને આક્ષેપ કર્યો હતો કે નવા કોન્ટ્રાક્ટને અંતિમ ઓપ આપતા પહેલા તેમની સાથે વિચારવિમર્શ કરાયો નથી. આ નવું વેતન માળખુ શ્રમ કાયદાનો ભંગ કરે છે.
મે 2022-ફેબ્રુઆરી 2023 વચ્ચે, એર ઈન્ડિયાએ 1900થી વધુ કેબિન ક્રૂની ભરતી કરી છે. છેલ્લા સાત મહિનામાં (જુલાઈ‘22-જાન્યુઆરી‘23 વચ્ચે) 1,100થી વધુ કેબિન ક્રૂને તાલીમ આપવામાં આવી છે અને છેલ્લા ત્રણ મહિનામાં, એરલાઇન દ્વારા ઉડાન ભરવા માટે આશરે 500 કેબિન ક્રૂને મુક્ત કરવામાં આવ્યા છે.