ધુમ્મસને કારણે ફ્લાઇટ્સ ખોરવાઇ જવાથી મુસાફરોને થતી અસરને ઓછી કરવા માટે એર ઇન્ડિયાએ ‘ફોગ કેર’ નામની એક પહેલ કરી છે. આ યોજના હેઠળ કંપની મુસાફરોને તેમની અસરગ્રસ્ત ફ્લાઇટ્સને કોઇપણ વધારાના ચાર્જ વગર રિશિડ્યૂલ કરવાનો અથવા કેન્સલ કરવાનો વિકલ્પ આપશે.
ટાટા ગ્રૂપની માલિકીની કંપનીની આ યોજનાનો શરૂઆતમાં દિલ્હી એરપોર્ટથી ઉપડતી અને આવતી ફ્લાઇટ્સ માટે અમલ થશે. આ યોજના હેઠળ ધુમ્મસને કારણે ફ્લાઇટ્સને અસર થઈ છે અને કેન્સલ થવાની શક્યતા છે તેવી ફ્લાઇટ્સના મુસાફરોનો કંપની સંપર્ક કરશે. આવા પેસેન્જર એરપોર્ટ જવું કે નહીં તેનો નિર્ણય કરી શકશે અને તેઓ લાંબી પ્રતિક્ષાની અસુવિધા ટાળી શકશે. આવા મુસાફરોને કોઇ પણ વધારાના ચાર્જ વગર ફ્લાઇટ રિશૂડ્યુલ્ડ કરવાની કે કેન્સલ કરવાનો વિકલ્પ મળશે. કંપનીએ એક યાદીમાં જણાવ્યું હતું કે આ યોજનાથી એરપોર્ટ પર એકઠી થતી ભીડમાં પણ ઘટાડો કરવામાં મદદ મળશે.
અસરગ્રસ્ત ફ્લાઇટ્સના મુસાફરોને ઇ-મેઇલ, કોલ, એસએમએસ મોકલવામાં આવશે તથા ધુમ્મસ સંબંધિત વિક્ષેપોને કારણે અસુવિધા ઘટાડવા માટે સરળ વિકલ્પો આપવામાં આવશે.