એર ઇન્ડિયાને ભારત સરકારે તાતા ગ્રુપને સોંપ્યા પછી તેમાં ઘણા મહત્ત્વના ફેરફાર થઇ રહ્યા છે. એર ઇન્ડિયાએ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (VRS) દ્વારા કાયમી કર્મચારીઓની સંખ્યામાં લગભગ બે હજાર સુધીનો ઘટાડો કરવાની યોજના જાહેર કરી છે. તાતા જૂથના ટેકઓવર પછી જૂન ૨૦૨૨માં એરલાઇને વીઆરએસના પ્રથમ તબક્કામાં કર્મચારીઓની સંખ્યામાં ૧,૫૦૦નો ઘટાડો કર્યો હતો.
સરકારે ટાટા સન્સને એર ઇન્ડિયાનું વેચાણ કર્યું ત્યારે કાયમી કર્મચારીઓની સંખ્યા ૮,૦૦૦ હતી. એક રીપોર્ટ મુજબ એરલાઇને વીઆરએસ માટે રૂ.૨૦૦ કરોડની ફાળવણી કરી છે. એક એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, “૨,૦૦૦ કર્મચારી બીજી વીઆરએસ ઓફર સ્વીકારશે તો એરલાઇનને રૂ.૨૦૦ કરોડનો ખર્ચ થશે.” તાજેતરમાં એર ઇન્ડિયાએ નોન-ફ્લાઇંગ સ્ટાફ માટે બીજી વીઆરએસ ઓફર જાહેર કરી હતી. તાજેતરની ઓફર ૪૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા તેમ જ સર્વિસના સતત પાંચ વર્ષ પૂરા કરનાર કાયમી જનરલ કેડરના ઓફિસર્સ માટે છે. ઉપરાંત, ઓછામાં ઓછી પાંચ વર્ષની સળંગ સેવા પૂરી કરનારા ક્લેરિકલ અને અનસ્કિલ્ડ કેટેગરીના કર્મચારીઓ પણ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજનાનો લાભ લઈ શકશે.
એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ઓફર ૩૦ એપ્રિલ સુધી ચાલુ રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ ૨,૧૦૦ કર્મચારી તાજેતરની વીઆરએસ ઓફરનો લાભ લઈ શકશે. અત્યારે એરલાઇનના કર્મચારીઓની સંખ્યા લગભગ ૧૧,૦૦૦ છે. જેમાં ફ્લાઇંગ અને નોન-ફ્લાઇંગ સ્ટાફનો સમાવેશ થાય છે.