એર ઇન્ડિયાએ આંતરરાષ્ટ્રીય રૂટ પર તેના વિશાળ એ350 વિમાનો સાથે ઉડ્ડયન સેવા ચાલુ કરી છે. આ વિમાન સાથેની પ્રથમ ફ્લાઇટ દિલ્હી-દુબઇ વચ્ચેની હતી. કંપનીએ આગામી મહિનામાં વધુ વિદેશી રૂટ માટે આ વાઇડ બોડીના વિમાનોનો ઉપયોગ કરવાની યોજના બનાવી છે. ગુરુવારે એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે તેને બુધવારે તેના A350-900 એરક્રાફ્ટનો ઉપયોગ કરીને દિલ્હી-દુબઈ રૂટ પર ફ્લાઇટ્સ શરૂ કરી હતી અને હાલમાં તે ભારત અને દુબઈ વચ્ચે આ વિમાનનો ઉપયોગ કરનારી ભારતની એકમાત્ર એરલાઈન છે. એરલાઇન નવેમ્બર સુધીમાં લંડન રૂટ પર ઓપરેશન માટે A350 પ્લેન તૈનાત કરવાનું શરૂ કરે તેવી શક્યતા છે.
દિલ્હી અને દુબઈ બંને એરપોર્ટ પર પ્રી-ડિપાર્ચર સમારંભો સાથે ફ્લાઈટ્સના લોન્ચિંગની ઉજવણી કરવામાં આવી હતી. મહેમાનોને A350 સંબંધિત સ્મૃતિ ચિન્હ અર્પણ કરવામાં આવ્યા હતા.
એર ઈન્ડિયાએ આ વર્ષે તેના કાફલામાં A350 એરક્રાફ્ટ ઉમેરવાનું શરૂ કર્યું છે અને તેનો ઉપયોગ સ્થાનિક ફ્લાઈટ્સ માટે પણ થઈ રહ્યો છે. એરલાઈને 40 A350 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે, જેમાંથી ઓછામાં ઓછા ચાર તેના કાફલામાં છે. એર ઈન્ડિયા હાલમાં પાંચ ભારતીય શહેરોમાંથી દુબઈ માટે દર અઠવાડિયે 72 ફ્લાઈટ્સ ચલાવે છે, જેમાંથી 32 દિલ્હીથી ઉપડે છે.