ભારતની અગ્રણી એરલાઈન અને સ્ટાર એલાયન્સ મેમ્બર એર ઈન્ડિયાએ લંડનના ગેટવિકથી ભારતના અમદાવાદ, અમૃતસર, ગોવા અને કોચીની ડાયરેક્ટ, અઠવાડિયાની ત્રણ-ત્રણ ફ્લાઇટ લેખે કુલ 12 સાપ્તાહિક ફ્લાઈટ્સ અને હીથ્રો એરપોર્ટ પરથી પાંચ વધારાની ડાયરેક્ટ ફ્લાઇટ આ સપ્તાહથી શરૂ કરવાની જાહેરાત કરી છે.
આમ યુકેમાં લંડનના બીજા સૌથી મોટા એરપોર્ટ પરથી ઈન્ડિયાની સીધી સેવાઓ આપનારી એકમાત્ર ફૂલ સર્વિસ એરલાઈન બની છે. આ ફલાઈટ્સ અત્યારસુધી હીથ્રોથી સંચાલિત થતી હતી, તે હવે બદલીને ગેટવિક ખસેડવામાં આવી છે. ગેટવિકથી સંચાલિત આ ચારેય ફલાઈટ્સમાં નવા, વિશાળ બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાનો સેવારત રહેશે. અમદાવાદ અને અમૃતસરની ફલાઈટ્સનો આરંભ રવિવાર, 26 માર્ચથી શરૂ થઈ ગયો છે, તો ગોવા અને કોચીની ફલાઈટ્સનો આરંભ મંગળવાર, 28 માર્ચથી શરૂ થયો છે. એર ઈન્ડિયાએ હીથ્રો એરપોર્ટથી દિલ્હી જતી ફ્લાઇટ્સની સંખ્યા સપ્તાહના 14થી વધારીને 17 અને મુંબઈની સપ્તાહની 12થી વધારીને 14 ફ્લાઇટ્સ કરી છે.
આ પ્રસંગે એર ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, એર ઈન્ડિયા હવે વિશ્વની સૌથી અગ્રણી, મોખરાની એરલાઈન્સમાં પોતાનું સ્થાન પાછું મેળવવાની મહત્ત્વાકાંક્ષી અને એકાગ્રતાભરી યોજના ધરાવે છે. એ માટે અમે કસ્ટમર સર્વિસ, નવા વિમાનો વગેરે માટે જંગી મૂડીરોકાણ કરી રહ્યા છીએ. આ નવી ફલાઈટ્સ શરૂ થવા સાથે હવે એર ઈન્ડિયા યુકેના ત્રણ એરપોર્ટ્સ – લંડનના હીથ્રો અને ગેટવિક તથા બર્મિંગહામથી મળીને દર સપ્તાહે ઈન્ડિયાની કુલ 49 ડાયરેક્ટ ફલાઈટ્સ દ્વારા યુકેને ઈન્ડિયાના અમદાવાદ, મુંબઈ, દિલ્હી, ગોવા, અમૃતસર અને કોચી શહેરો સાથે કનેક્ટ કરે છે.