નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગુરુવારે ઉદ્યોગ જગતને ખાતરી આપી હતી કે સરકાર આર્થિક વિકાસને વેગ આપવા માટે તમામ જરૂરી પગલાં લેવા માટે તૈયાર છે.
ઉદ્યોગ મહામંડળ CIIની વાર્ષિક બેઠકને સંબોધતા સીતારામને કહ્યું હતું કે કોવિડ-19 રોગચાળાને રોકવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવ્યા બાદ અર્થતંત્રમાં રિકવરીને સંકેતો છે.
તેમણે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) માં 37 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, જુલાઈમાં ફોરેક્સ રિઝર્વ વધીને 620 બિલિયન ડોલર થઈ છે.નાણાપ્રધાને જણાવ્યું હતું કે, સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં રૂા.1.75 લાખ કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે સંકલ્પબદ્ધ છે. આ વર્ષે એર ઇન્ડિયા, ભારત પેટ્રોલિયમ, BEML, શિપિંગ કોર્પોરેશન અને કન્ટેનર કોર્પોરેશનનું ખાનગીકરણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર કોરોનાના સમયગાળા દરમિયાન અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે આરબીઆઈ સાથે મળીને કામ કરી રહી છે.
સીતારમણે કહ્યું કે ભારતીય અર્થતંત્ર હજુ સુધી એ તબક્કે પહોંચ્યું નથી કે રિઝર્વ બેન્ક લિક્વિડિટીને પરત લેવાનું શરૂ કરી દે. તેમણે કહ્યું કે એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હાલમાં કોરોનાવાયરસના બે મોટી લહેરની અસરોમાંથી બહાર આવી રહી છે.