એર ઇન્ડિયાના પાયલટ એસોસિયેશનને કંપનીના નવા ફ્લાઇટ ક્રુ રોસ્ટર્સને પગલે થકાવટનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. એર ઇન્ડિયાએ નવા રોસ્ટિંગ ટુલની મદદથી વિમાની સભ્યો માટે નવું રોસ્ટર્સ બનાવ્યું છે અને તેનાથી પાયલટ સહિતના ક્રુ સભ્યોએ ફરજના સમયગાળા વચ્ચે લાંબી રાહ જોવી પડશે. આ સ્થિતિમાં તેઓ થાકી જાય છે તથા સતર્કતા અને કાર્યક્ષમતાને પણ અસર થાય છે.
ગયા અઠવાડિયે એર ઈન્ડિયાના હેડ ઓફ સેફ્ટી હેનરી ડોનોહોને લખેલા પત્રમાં ઇન્ડિયન પાયલટ્સ ગિલ્ડ (IPG)એ જણાવ્યું હતું કે ફ્લાઇટ ડ્યુટી પહેલાં લાંબા વેઇટિંગ પીરિયડ ક્રૂ સભ્યોની સજ્જતાની વિરુદ્ધમાં છે અને તેનાથી થકાવટમાં વધારો થાય છે. તાજેતરમાં એવું અવલોકન કરવામાં આવ્યું છે કે ઓપરેશનલ કાર્યક્ષમતા અને આર્થિક લાભના અવિરત પ્રયાસને કારણે ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશન્સ (FDTL) નિયમો પાછળના પ્રાથમિક હેતુની અવગણના થાય છે.
ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય દ્વારા પાયલટ્સ અને કેબિન ક્રૂ સ્ટાફ માટે પર્યાપ્ત સમયની ખાતરી કરવા માટે નિર્ધારિત કરવામાં આવે છે.
તાજેતરમાં ઇન્ડિગોના પાઇલટના મૃત્યુ બાદ પાયલટ્સમાં થાકનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. ગયા સપ્તાહે ઇન્ડિગોનો પાયલટ નાગપુર એરપોર્ટ પર ફ્લાઇટ ચલાવવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે બોર્ડિંગ ગેટ પર ગબડી પડ્યો હતો અને તેનું મૃત્યુ થયું હતું.
એર ઈન્ડિયાએ જેપ્સેન રોસ્ટરિંગ ટૂલ દ્વારા જનરેટ કરેલા તાજેતરના રોસ્ટર્સ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા IPGએ કહ્યું હતું કે આપણે આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઇએ, કારણ કે તે સીધો ફ્લાઇટ સલામતી તથા ફ્લાઇટના ક્રૂ સભ્યો અને મુસાફરો માટે મહત્ત્વનો છે. આ સમસ્યા ખાસ કરીને બે ફ્લાઇટ્સ વચ્ચે એરપોર્ટ પર એરબસ 320 વિમાનો સંબંધિત લાંબા વેઇટિંગ પીરિયડ સંબંધિત છે. ફ્લાઇટ દરમિયાન વ્યક્તિની શ્રેષ્ઠ કામગીરી કરવાની ક્ષમતા પર્યાપ્ત આરામ, અસરકારક થાક વ્યવસ્થાપન અને એકંદર શારીરિક સુખાકારી જેવા પરિબળોથી પ્રભાવિત થાય છે.
IPGએ આક્ષેપ કર્યો હતો કે રોસ્ટરિંગ અભિગમ બેવડી નકારાત્મક અસર પેદા કરે છે અને તેનાથી માત્ર “સુરક્ષા સાથે સમાધાન થતું નથી, પરંતુ અમારા ક્રૂ સભ્યોમાં ઉપેક્ષા અને અપમાનની લાગણીઓને પણ વેગ આપે છે. પત્રમાં જણાવ્યા અનુસાર એરપોર્ટના ભોજનાલયો, ડિપાર્ચર હોલ અને વિવિધ ટર્મિનલ વિસ્તારોમાં ફ્લાઇટ્સ વચ્ચે કલાકો સુધી લાંબા સમય સુધી રાહ જોવી પડે છે.