વંદે ભારત મિશન હેઠળ રશિયાના મોસ્કોથી ભારતીયોને લેવા એર ઇન્ડિયાની દિલ્હીથી નીકળેલી ફ્લાઇટનો પાઇલટ ચેપી જણાતા અધવચ્ચેથી તેને પાછો બોલાવાયો. એર ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું કે ફ્લાઇટ પહેલાં તપાસ રિપોર્ટમાં એક ભૂલ હતી, જેમાં શરૂઆતમાં નેગેટિવ તરીકે વાંચી લેવાયો હતો. આ ઘટના શનિવારની છે. ડીજીસીએએ આ અંગે તપાસનો આદેશ આપ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે ફ્લાઇટમાં કોઇ પેસેન્જર ન હતો.
ફ્લાઇટ જેવી ઉઝબેકિસ્તાનના એરસ્પેસમાં પહોંચી ત્યારે જ અમારી ગ્રાઉન્ડ ટીમના સભ્યોને લાગ્યું કે વિમાનનો એક પાઇલટ પોઝિટિવ છે. તેથી તેને તુરત પાછો ફરવા કહેવામાં આવ્યું હતું. શનિવારે બપોરે 12.30 કલાકે વિમાન દિલ્હી પહોંચી પણ ગયું હતું. ક્રૂ સભ્યોને ક્વોરન્ટાઇન કરી દેવાયા છે. હવે રશિયામાં ફસાયેલા ભારતીયોને લેવા બીજું વિમાન જશે.
ઘરેલુ પેસેન્જર ફ્લાઇટ્સ ફરી શરૂ થયા બાદ શુક્રવારે પહેલી વખત તેની સંખ્યા 500ને પાર પહોંચી ગઇ. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ શનિવારે જણાવ્યું કે દેશના વિવિધ એરપોર્ટથી કુલ 513 ફ્લાઇટ્સ રવાના થઇ. તેમાં 39,969 યાત્રી સવાર હતા. બે મહિનાના ગાળા બાદ ગત 25 મેથી પેસેન્જર ફ્લાઇટ્સ શરૂ થયા બાદ આ સંખ્યા સૌથી વધુ છે.
તમામ ક્રૂના રિપોર્ટ્સ ફ્લાઇટ પહેલાં તપાસવામાં આવે છે. ખાસ કરીને કોરોના રિપોર્ટને ચકાસવામાં આવે છે. એક પાઇલટનો રિપોર્ટ પોઝિટીવ હતો, પરંતુ ભૂલથી નેગેટીવ વંચાઈ ગયો હતો. આથી ગ્રાઉન્ડ ટીમે તેને ઉડવા માટે મંજૂરી આપી હતી. એર ઇન્ડિયા સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું કે આ કામના દબાણને કારણે થયું છે. દરરોજ 300થી વધુ ક્રૂ મેમ્બર્સની તપાસ કરવામાં આવે છે. દરેકનો અહેવાલ એક્સેલ શીટમાં આવે છે. ગ્રાઉન્ડ ટીમના સભ્યએ અહીં વાંચવામાં ભૂલ કરી હતી.