એર ઇન્ડિયાની ન્યૂયોર્ક-દિલ્હી ફ્લાઇટના બિઝનેસ ક્લાસમાં 26 નવેમ્બરેએ નશામાં ધૂત એક વ્યક્તિએ 70 વર્ષની મહિલા સહ-પ્રવાસી પર કથિત રીતે પેશાબ કર્યો હોવાની ઘૃણાસ્પદ ઘટનાનો ખુલાસો થયો છે. આ ઘટનાના એક સપ્તાહ પછી એર ઇન્ડિયાએ કેસ દાખલ કર્યો હતો અને ભલામણ કરી હતી કે આ પ્રવાસીને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવે. મહિલાએ એર ઈન્ડિયાના ગ્રૂપ ચેરમેન એન ચંદ્રશેકરનને પત્ર લખ્યા બાદ બહાર આવેલી ઘટના અંગે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે એરલાઈન પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. .
મીડિયા રિપોર્ટ અનુસાર 26 નવેમ્બરે એક મહિલા ન્યૂયોર્કથી દિલ્હી આવતી ફ્લાઈટમાં મુસાફરી કરી રહી હતી. તે બિઝનેસ ક્લાસની સીટ પર બેઠી હતી. ફ્લાઈટAI-102 બપોરે એક વાગ્યાની આસપાસ ન્યૂયોર્ક-જેએફકે એરપોર્ટથી રવાના થઈ હતી તમામ મુસાફરો પોતાની સીટ પર બેઠા હતા. ત્યારે જ અચાનક એક નશામાં ધૂત વ્યક્તિ મહિલાની સીટ પાસે પહોંચ્યો અને પેન્ટની ઝીપ ખોલીને મહિલા ઉપર પેશાબ કરવા લાગ્યો હતો.
મહિલાએ તેના પત્રમાં લખ્યું છે કે, પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે સજાગ ન હતા. એરલાઈન્સ દ્વારા તેમની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા.
મહિલાએ જણાવ્યું કે, ઘટના બાદ તેના કપડા, બેગ, જૂતા પેશાબથી સંપૂર્ણપણે ભીંજાઈ ગયા હતા. તેને આ અંગે ક્રૂ મેમ્બર્સને જાણ કરી હતી ત્યારબાદ એર હોસ્ટેસ આવી અને જંતુનાશક દવાનો છંટકાવ કરીને જતી રહી હતી. બીજી બાજુ સીટ પર ક્રૂ સભ્યો તરફથી ચાદર નાખી દેવાઈ હતી. પરંતુ આમ છતાં વાસ દૂર થઈ નહીં. આગળની મુસાફરી માટે મહિલાને બે કલાક બાદ બીજી સીટ અપાઈ હતી.