– સરવર આલમ દ્વારા
ભારતની ટોચની એરલાઇન એર ઇન્ડિયાએ તા. 14ના રોજ એરક્રાફ્ટ ઉત્પાદકો એરબસ, બોઇંગ અને રોલ્સ રોયસ સાથે આશરે $75 બિલિયનના સોદા પેટે 470 નવા એરક્રાફ્ટનો રેકોર્ડ બ્રેકિંગ ઓર્ડર આપતા તે ઓર્ડર યુકેમાં વધુ નોકરીઓ ઉભી કરશે અને યુકે-ઈન્ડિયા ફ્રી ટ્રેડ ડીલનું આ “બીજું મોટું પગલું” છે, એમ બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી કેમી બેડેનોકે ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું.
ટાટા ગ્રૂપ પોતાને પુનઃસ્થાપિત કરવા માંગતું હોવાથી એર ઈન્ડિયાએ એરબસ પાસેથી 250 વિમાનો ખરીદવા સંમત થયુ છે જે વેલ્સ અને ડર્બીશાયરમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ધરાવે છે. યુકે સરકાર કહે છે કે આ સોદો “બિલિયન પાઉન્ડનો” હશે. એર ઈન્ડિયા-એરબસ ડીલમાં 210 નંગ A320 (સિંગલ-પાંખના કેબિન) પ્લેન અને 40 નંગ A350 વાઈડબોડી (ટ્વીન-આઈસલ કેબિન) પ્લેનનો સમાવેશ કરાયો છે.
કેમી બેડેનોકે જણાવ્યું હતું કે “યુકેના વિશ્વ-અગ્રણી એરોસ્પેસ ક્ષેત્ર માટે આ એક નોંધપાત્ર જીત છે અને તે દેશભરમાં હજારો હાઇ સ્કીલ્ડ નોકરીઓ સુરક્ષિત કરવામાં અને આર્થિક વૃદ્ધિને આગળ વધારવામાં મદદ કરશે. તે યુકેની નિકાસ માટે મોટો ટેકો બની રહેશે. કારણ કે અમારું લક્ષ્ય દાયકાના અંત સુધીમાં વિશ્વને વર્ષમાં £1 ટ્રિલિયનનો સામાન અને સેવાઓ વેચવાનું છે. અમે હાલમાં ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે વાટાઘાટો કરી રહ્યા છીએ. જે 2035 સુધીમાં વાર્ષિક £28 બિલિયન સુધીના વેપારને વેગ આપી શકે છે. આના જેવી નિકાસ જીત એ આપણા રાષ્ટ્રો માટે ગાઢ વેપારી સંબંધો બનાવવાનું બીજું મોટું પગલું છે.”
ડીપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડે પુષ્ટિ કરી છે કે વિમાનોની પાંખો બ્રિસ્ટોલ નજીક ફિલ્ટનમાં ડિઝાઇન કરાશે અને નોર્થ વેલ્સના બ્રાઉટનમાં તેને એસેમ્બલ કરાશે. જે 450 નવી મેન્યુફેક્ચરીંગ જોબ્સ અને £100 મિલિયનનું વધારાનું રોકાણ આ પ્રદેશમાં લાવશે.
વેલ્સના મિનિસ્ટર ફોર ઇકોનોમી વોન ગેથિંગે ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે ‘’એરબસ સાથે એર ઈન્ડિયાનો સોદો મેન્યુફેક્ચરિંગમાં દેશની કુશળતાનો પુરાવો છે. એર ઇન્ડિયાનો નવો ઓર્ડર નોર્થ વેલ્સમાં એરબસ ખાતે પ્રતિભાશાળી અને મહેનતુ કર્મચારીઓ માટે ઉત્તમ સમાચાર છે. આ નોંધપાત્ર વધારો વિંગ મેન્યુફેક્ચરિંગ માટે શ્રેષ્ઠતાના વૈશ્વિક કેન્દ્ર તરીકે બ્રાઉટનની નેતૃત્વ સ્થિતિને વધુ મજબૂત બનાવે છે, અને ઉચ્ચ મૂલ્યના ઉત્પાદનમાં વેલ્સની નોંધપાત્ર શક્તિ દર્શાવે છે.”
એરબસ વેલ્સની સૌથી મોટી પ્લેન મેન્યુફેક્ચરિંગ કંપની છે. જો કે, રોગચાળાને કારણે, સ્ટાફની સંખ્યા 6,000થી ઘટીને 4,000 થઈ ગઈ. આ ડીલમાં 500 નોકરીઓનું સર્જન થશે અને એરબસ તેની જર્મન સાઇટ્સમાંથી એક બ્રાઉટનમાં વધારાના A330 વિંગ વર્ક ટ્રાન્સફર કરશે તેવા સમાચાર છે.
વેલ્સના સ્ટેટ સેક્રેટરી ડેવિડ ટીસી ડેવિસે ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે “બ્રાઉટન ખાતે એરબસ માટે આ ઉત્તમ સમાચાર સાંભળીને મને આનંદ થયો. મેં ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમની વિંગ એસેમ્બલી ફેસિલિટીની મુલાકાત લીધી હતી અને હું જેને મળ્યો હતો તે દરેકના કૌશલ્ય, સમર્પણ અને પ્રોફેશનાલીઝમથી હું ખૂબ પ્રભાવિત થયો હતો. આના જેવા સોદા એરબસની સતત સફળતા અને વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે, જે નોર્થ વેલ્સમાં મહત્વપૂર્ણ એમ્પ્લોયર છે.”
એરબસ A350 એરક્રાફ્ટ માટેના એન્જિન રોલ્સ-રોયસ દ્વારા બનાવવામાં આવશે. રોલ્સ રોયસે જાહેરાત કરી હતી કે એર ઈન્ડિયાએ તેના ટ્રેન્ટ XWB-97 એન્જિન માટે અત્યાર સુધીના સૌથી મોટા ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. જે સિનફિન, ડર્બીમાં વિકસિત અને બનાવવામાં આવ્યા છે. અહિં લગભગ 9,000 લોકોને રોજગાર અપાય છે.
વડા પ્રધાન ઋષિ સુનકે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, “એર ઇન્ડિયા, એરબસ અને રોલ્સ-રોયસ વચ્ચેનો આ સીમાચિહ્નરૂપ સોદો દર્શાવે છે કે યુકેના સમૃદ્ધ એરોસ્પેસ ક્ષેત્ર માટે શ્રેષ્ઠ છે. તે ડર્બીથી વેલ્સ સુધીના મેન્યુફેક્ચરિંગ હબમાં વધુ સારી કમાણીવાળી નોકરીઓ અને નવી તકોનું સર્જન કરશે, જેથી અમે અર્થવ્યવસ્થાનો વિકાસ કરી શકીશું અને સ્તર વધારવા માટે અમારી કાર્યસૂચિને ટેકો આપી શકીશું. જે દેશ માટે મારી પાંચ પ્રાથમિકતાઓ પૂરી કરવામાં મદદ કરશે. યુકે પહેલેથી જ ટોચનું રોકાણ સ્થળ છે, અને ભારત જેવી વિકસતી આર્થિક શક્તિઓ સાથે વેપાર સંબંધો બાંધીને અમે ખાતરી કરીશું કે યુકેના બિઝનેસીસ વૈશ્વિક વૃદ્ધિ અને નવીનતામાં મોખરે રહે.”
એર ઈન્ડિયાને આવનારા વર્ષોમાં 470 એરક્રાફ્ટ ઓપરેટ કરવા માટે 6,500થી વધુ પાઈલટોની જરૂર પડશે. હાલમાં, એર ઇન્ડિયા પાસે તેના 113 એરક્રાફ્ટ ફ્લીટનું સંચાલન કરવા માટે લગભગ 1,600 પાઇલોટ્સ છે. તાજેતરના સમયમાં, ક્રૂની અછતને કારણે અતિ-લાંબા અંતરની ફ્લાઇટ્સ રદ કરવાના અથવા વિલંબિત કરવાના કિસ્સાઓ બની રહ્યા છે. જેને નિવારવા ટાટા જૂથે નવી પહેલ અંતર્ગત આ વર્ષની શરૂઆતમાં કંપનીએ ટ્રેઇનીંગ એકેડમી સ્થાપવાની યોજના જાહેર કરી હતી. એરએશિયા ઇન્ડિયાના ભૂતપૂર્વ CEO સુનિલ ભાસ્કરન આ એકેડમીનું સંચાલન કરશે. જે વિશ્વમાં સૌથી મોટી અને શ્રેષ્ઠ એકેડેમીને ટક્કર આપશે.”
અત્રે ઉલ્લેખનીય છે કે આવનારા વર્ષોમાં, મહત્વાકાંક્ષી નવી એર ઈન્ડિયા અને ઉડ્ડયન ઉદ્યોગને સામાન્ય રીતે ઘરઆંગણે હજારો પાઇલોટ્સ, એન્જિનિયરો, કેબિન ક્રૂ, એરપોર્ટ મેનેજર અને અન્ય નિષ્ણાતોની જરૂર પડશે.