ટાટા સન્સે એર ઈન્ડિયાના નવા સીઇઓ અને મેનેજિંગ ડાયરેક્ટર પદે કેમ્પબેલ વિલ્સનની નિમણૂક કરી છે. ટાટા સન્સ દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા નિવેદન અનુસાર, 50 વર્ષીય કેમ્પબેલ વિલ્સનને એવિએશન ઇન્ડસ્ટ્રીમાં 26 વર્ષનો અનુભવ છે. એર ઈન્ડિયાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે વિલ્સનની નિમણૂકને મંજૂરી આપી છે. જોકે, આ માટે રેગ્યુલેટરી ઓથોરિટી મંજૂરી લેવાની બાકી છે. કેમ્પબેલ વિલ્સન અત્યારે સિંગાપોર એરલાઈન્સ સાથે જોડાયેલા ‘સ્કૂટ’ના સીઈઓ છે. ટાટા સન્સ અને એર ઈન્ડિયાના ચેરમેન એન. ચંદ્રશેકરને જણાવ્યું હતું કે, ‘એર ઈન્ડિયામાં વિલ્સનનું સ્વાગત કરતા ખુશી અનુભવું છું. તેઓ વૈશ્વિક એવિએશન ઇન્ડસ્ટ્રીનો લાંબો અનુભવ ધરાવે છે. એર ઈન્ડિયા એશિયામાં એરલાઈન બ્રાન્ડને વધારવામાં તેમના અનુભવનો લાભ મેળવશે. હું વૈશ્વિક કક્ષાની એરલાઇન બનાવવા માટે તેમની સાથે કામ કરવા આતુર છું.’
આ વર્ષની શરૂઆતમાં, ટાટા સન્સે તુર્કી એરલાઇનના ભૂતપૂર્વ ચેરમેન ઇલ્કર અયસીની એર ઇન્ડિયાના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂકની જાહેરાત કરી હતી. જોકે, અયસીએ ભારત અંગેના પોતાના વિચારો અંગેના વિવાદો વચ્ચે ઓફરને સ્વીકારી નહોતી.