એર ઈન્ડિયાએ બુધવાર, 3 એપ્રિલે સુધારેલો ફ્લાઈંગ રીટર્ન્સ લોયલ્ટી પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. તેમાં એક સરળ નવું માળખું, વધુ ગ્રાહકલક્ષી ફીચર્સ, રીનેમ્ડ ટાયર અને અપડેટેડ ઓળખ રજૂ કરાઈ છે. ફ્લાઈંગ રીટર્ન્સ પ્રોગ્રામમાં પોઇન્ટ્સના કલેક્શન માટે માઇલ્સ આધારિત મોડલની જગ્યાએ વધુ ન્યાયી ખર્ચ-આધારિત અભિગમ અપનાવાયો છે. ફ્લાઈંગ રીટર્ન્સના સભ્યો 3 એપ્રિલથી પ્રોગ્રામના લાભો લઇ શકશે અને નવા માળખાના આધારે પોઈન્ટ એકત્રિત કરી શકશે. નવા પ્રોગ્રામ હેઠળ એક્ટિવ મેમ્બર્સનો એક પણ પોઇન્ટ એક્સપાયર થશે નહીં.
એરલાઇન અધિકારીઓએ જણાવ્યું હતું કે સુધારેલો ફ્લાઇંગ રીટર્ન્સ પ્રોગ્રામ તેના સભ્યો માટે વધુ સરળતા અને વધુ રીવોર્ડને પ્રાથમિકતા આપે છે. તે તેના સભ્યોને વિશ્વભરમાં ઇન્સ્ટન્ટ ગ્લોબલ સ્ટેટસ અને વિશેષાધિકારો ઓફર કરે છે.
આ પ્રોગ્રામમાં એક દાયકામાં પ્રથમ વખત સુધારો કરાયો છે. નવા પ્રોગ્રામમાં કોઈ બ્લેકઆઉટ તારીખો કે નિયંત્રણો નથી. તેના મેમ્બર વેચાણ માટે ઉપલબ્ધ કોઈપણ એર ઈન્ડિયા સીટ ખરીદવા માટે ફ્લાઈંગ રીટર્ન્સ પોઈન્ટ્સ રીડીમ કરી શકે છે
એર ઇન્ડિયાના ચીફ કોમર્શિયલ એન્ડ ટ્રાન્સફોર્મેશન ઓફિસર નિપુન અગ્રવાલે જણાવ્યું હતું કે ફ્લાઈંગ રીટર્ન્સમાં સુધારો ‘ન્યૂ’ એર ઈન્ડિયા જે રીતે ગ્રાહકોને સેવા આપવા અને ખુશ કરવા ઈચ્છે છે તે દિશાનું એક મહત્વનું પગલું છે. અમે ગયા વર્ષ ગ્રાહકોને સાંભળ્યા હતા અને 50,000થી વધુ ગ્રાહકો પાસેથી અભિપ્રાય મેળવ્યા હતા. અમે શ્રેષ્ઠ લોયલ્ટી પ્રોગ્રામને એક બેન્ચમાર્ક ગણીને આ નવો પ્રોગ્રામ તૈયાર કર્યો છે. આ મોટી કવાયત અને સંપૂર્ણ ડિજિટલ માળખામાં સંપૂર્ણ સુધારા સાથે અમે વધુ મજબૂત અને મૂલ્ય આધારિત પ્રોગ્રામ તૈયાર કર્યો છે, જે અમે ગર્વ સાથે રજૂ કરી રહ્યાં છીએ.